વડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ
વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક સમુદાયની લાગણી દુભાય તેવો મેસેજ વાયરલ થતાં મામલો ગરમાયો હતો. આ ઘટનામાં કેટલીક વાહનવિહોણી ઉભેલી ગાડીઓના કાચ તોડી નાંખવામાં આવ્યા અને પંડાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક દખલગીરી કરીને પરિસ્થિતિને શાંત પાડી હતી. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.
આ બધાનું મૂળ એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મૂકી દેવાઈ વિવાદિત પોસ્ટ માનવામાં આવી રહ્યું છે. પોસ્ટમાં મક્કા મદીનાને લઈ કરવામાં આવેલી અણચાહી ટિપ્પણી બાદ સ્થિતી વધુ બગડી હતી.. પરિણામે, બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો, જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ. ઉશ્કેરાયેલા ટોળાએ સીટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધાં અને મામલાને શાંત પાડ્યો હતો. ઘટના બાદ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કર્યું છે.