ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનો પ્રારંભ, જિલ્લાના 29 કેન્દ્રો પર વ્યવસ્થા
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 7780 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રાજકોટ શહેર જિલ્લામાં 29 જેટલા કેન્દ્રો પરથી આ પ્રાયોગિક પરીક્ષા લેવાઈ રહી છે.
જેમાં રાજકોટના 21, ધોરાજીના 4, ગોંડલના 2 અને જેતપુર-જસદણના 1-1 કેન્દ્રોની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત આ પરીક્ષા માટે 200 જેટલા શિક્ષકોના ઓર્ડરો પણ કાઢી તેઓને પ્રેક્ટીકલ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા માર્ક રોજેરોજ બોર્ડની વેબસાઇટ પર સબમીટ કરી દેવામાં આવશે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કસોટી એવી આ પ્રેક્ટીલ પરીક્ષા તા.14 સુધી ચાલનાર છે. અહીં ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા આગામી તા.27થી આ વખતે શરુ થનાર છે. આ પરીક્ષાના પેપરો પણ તા.23ના રાજકોટ ખાતે આવી પહોંચનાર છે.
બોર્ડની આ પરીક્ષા સંદર્ભે આગામી ટૂંક સમયમાં જિલ્લા પરીક્ષા સમિતિની જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયા બાદ શિક્ષણાધિકારી દ્વારા આ પરીક્ષાનો એક્શન પ્લાન પણ જાહેર કરી દેવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષા આ વખતે પંદર દિવસ વહેલી લેવામાં આવનાર હોય તેના પરિણામ પરીક્ષા બાદ એપ્રિલ માસમાં આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.