મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ
જામકંડોરણાના ધોળીધારની ઘટના: સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ
જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રા મોબાઈલમાં મશગુલ રહેતી હોય જે મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાયાબેન ઘુઘાભાઈ વાંછીયા નામની 17 વર્ષની સગીરાએ બપોરના 11 વાગ્યેના અરસામાં વાડીમાં હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામકંડોરણા પોલીસને જાણ કરતાં જામકંડોરણા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી લેનાર છાયાબેન વાંછીયા એક ભાઈ ત્રણ બહેનમાં મોટી છે અને ધો.11માં અભ્યાસ કરે છે. છાયાબેન વાંછીયા મોબાઈલમાં મશગૂલ રહેતી હોય જે મુદ્દે માતા રેખાબેને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.