પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન દેવાનું કહેતા ધો.11ના છાત્રનો આપઘાતનો પ્રયાસ
વઢવાણમાં બનેલી ઘટના; યુવકે ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાયો
સુરેન્દ્રનગરનાં વઢવાણમાં રહેતાં અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતાં પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન રાખવાનું કહેતાં પુત્ર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વઢવાણમાં આવેલા કાંગશીયાપરામાં રહેતાં અને ધો.11માં અભ્યાસ કરતાં યોગેશ ગોવિંદભાઈ નાંઘા નામનો 21 વર્ષનો યુવાન સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં યોગેશ નાંઘા એકની એક બહેનનો એકનો એક ભાઈ છે અને ઘેર બેઠા ધો.11માં અભ્યાસ કરે છે અને માલઢોરનું કામ કરે છે. યોગેશનેે એક લાખની કિંમતની ગાય લેવી હતી પરંતુ પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવા મુદ્દે ઠપકો આપતાં યોગેશ નાંઘાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.