For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યા ભરવા રાજ્ય સરકારની મંજૂરી

04:28 PM Jun 12, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યા ભરવા રાજ્ય સરકારની મંજૂરી

હજુ 28થી વધારે જગ્યા ખાલી રહેશે: ધીમી ગતિએ ચાલતી કામગીરીને વેગ મળશે

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાતમા પગાર પંચમાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય, અવસાન થયું હોય અથવા તો રાજીનામું આપીને ચાલ્યા ગયા હોય તેવી ટીચિંગ અને નોન ટીચિંગની કાયમી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 27 નવી જગ્યાઓ માટેની મંજૂરી મળી છે. જેમાં 21 જેટલી ટીચિંગ અને 6 જેટલી નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે.

આ રીતે કુલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની 190 જેટલી ભરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી સ્ટાફની ઘટ વર્તાઈ રહી છે જેથી આઉટસોર્સ એજન્સી દ્વારા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવેલા છે. હવે નવી વહીવટી સ્ટાફની ભરતી થશે તો તેનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટી ભાર હળવો થશે. નવી કાયમી ભરતી બાદ પણ આઉટસોર્સિંગ કર્મચારીઓને તો રાખવા જ પડશે. કારણકે કુલ મહેકમ તો ખૂબ જ વધારે છે. જોકે કાયમી કર્મચારીઓની ભરતી થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ સરળતાથી અને કુનેહપૂર્વક થઈ શકશે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફમાં હાલ મંજૂર મહેકમ 217 અધિકારીઓ અને કર્મચારીઓનું છે. જેની સામે 60 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ટીચિંગ સ્ટાફ એટલે કે વિદ્યાર્થીઓને ભણાવવા માટે અધ્યાપકોની જે સંખ્યા છે તેનું મંજૂર મહેકમ 155 જેટલું છે. જેની સામે 94 ટીચિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જેથી ટીચિંગમાં 61 તો નોન ટીચિંગમાં 157 જગ્યાઓ ખાલી છે.

કુલ 372ના મહેકમ સામે 154 અધ્યાપકો, અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. એટલે કે 218 જગ્યાઓ ખાલી છે જેની સામે 190 જેટલી ભરતી થશે. કાયમી રજીસ્ટ્રાર અને કાયમી પરીક્ષા નિયામક પણ આવી જાય છે. હાલ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ડો. રમેશ પરમાર અને ઇન્ચાર્જ પરીક્ષા નિયામક તરીકે ડો. મનીષ શાહ ફરજ બજાવી રહ્યા છે. નવી 190 ભરતી બાદ પણ 28 જેટલી જગ્યા ખાલી રહેશે તેવો અંદાજ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement