રાજકોટમાં સ્ટારબક્સ અને હેમલીએ સ્ટોર કોન્ટ્રાક્ટ રદ કર્યા
મહાનગરપાલિકાએ બિલ્ડિંગોના કમ્પ્લીશનો લાંબા સમયથી લટકાવી રાખતા મોટી બ્રાન્ડોએ મોઢું ફેરવી લીધું, રાજકોટની પ્રતિષ્ઠાને પણ ફટકો
ટીપી વિભાગના નકારાત્મક અભિગમની શહેરના વિકાસ ઉપર સીધી અસર, બિલ્ડરોમાં પણ ભારે ઘૂઘવાટ
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ નવા બાંધકામ પ્લાન પાસ કરવાની અને કમ્પ્લીશન સહિતની પ્રક્રિયા મહાનગરપાલિકાની બાબુશાહીમાં અટવાતા તેની સીધી અસર શહેરના વિકાસ ઉપર પડી છે. અને કેટલીક મોટી બ્રાન્ડોએ રાજકોટમાં આવવાનું માંડી વાળ્યું છે.
મોટા બિલ્ડીંગોના કમ્પ્લીશન સર્ટી અટક્યા હોવાથી ઈન્ટરનેશનલ કોફી બ્રાન્ડ કોફી બ્રાન્ડ અને રમકડાની અગ્રણી કંપની ‘હેમલી’ એ રાજકોટમાં સ્ટોર ખોલવાના પોતાના કોન્ટ્રાક્ટ જ રદ કરી નાખ્યા છે.
સ્ટારબક્સ કંપનીએ રાજકોટમાં ગત સપ્ટેમ્બર માસમાં કાલાવડ રોડ ઉપર રાજકોટનો પ્રથમ સ્ટોર ખોલવા માટે કરાર કર્યા હતાં અને આ માટે બ્રાન્ડીંગમાં પણ લાખો રૂપિયા પણ ખર્ચી નાખવામાં આવ્યા હતાં. પરંતુ આજ સુધી આ બિલ્ડીંગનું કમ્પ્લીશન નહીં મળતા સ્ટારબક્સે રાજકોટના ફ્રેન્ચાઈઝી સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યાનું જાણવા મળે છે. આજ રીતે હેમલી બ્રાન્ડનો સ્ટોર પણ રાજકોટમાં ખુલવાનો હતો પરંતુ બિલ્ડરને સમયસર કમ્પ્લીશન નહીં મળતા હેમલી બ્રાન્ડે પણ રાજકોટથી મોઢુ ફેળવી લીધું છે.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેપીટલ મનાય છે એન બાંધકામ વ્યવસાય મોટા પ્રમાણમાં વિકસ્યો છે અને ધીરે ધીરે ટોચની કંપનીઓ પણ પોતાના સ્ટોર્સ ખોલવા આવી રહી છે. પરંતુ ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ટી.પી. વિભાગના અધિકારીઓની નકારાત્મક માનસિકતા અને નવા પ્લાન મુકી શકાય નહીં કે, તૈયાર બિલ્ડીંગોના કમ્પ્લીશન મળી શકે નહીં તેવા મનઘડત પરિપત્રો બહાર પાડવાના કારણે સમગ્ર પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે અને મોટી કંપનીઓ રાજકોટથી મોઢુ ફેરવવા લાગી છે. જેની સીધી અસર રાજકોટ શહેરના વિકાસ ઉપર પડી રહી છે. અને રાજકોટની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી છે.
આ અંગે વાત કરતા પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને 7 મહિનાથી પ્લાન, કમ્પ્લીશન, પ્લોટ વેલીડેશન પાયર એનઓસી સહિતની કામગીરી રૂડા અને કોર્પોરેશનના ઠપ્પ જેવી થઈ ગઈ છે. જેના કારણે કરોડોનું ટર્નઓવર પણ અટકી જતાં શહેરમાં મંદિનો માહોલ છવાઈ ગયો છે.
મંજુરીના અભાવે હાઈરાઈઝ આઈકોનીક પ્લાન પણ અટવાઈ ગયા છે. પરિણામે વિશ્ર્વ વિખ્યાત બે બ્રાન્ડ કોફીની ‘સ્ટાર બક્સ’ અને રમકડાની ‘હેમલી’ બ્રાન્ડે કરાર રદ કરી નાખ્યા છે.
મંજુરીના અભાવે બાંધકામ ઉદ્યોગ મૃતપ્રાય સ્થિતિમાં આવી જતાં રો મટિરિયલ્સના સપ્લાયર્સ, મિસ્ત્રીકામ અને લાદી ચોટાડવાની કામગીરી કરનારાઓ અને મોટાપ્રમાણમાં મજુરો માટે આર્થિક સમસ્યા ઉદ્ભવી છે.