ગેરકાયદેસર બાંધકામોને અપાયેલ ડિમોલિશનની નોટિસનો સ્ટેન્ડિંગમાં વિરોધ
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલ અલગ અલગ કામોની દરખાસ્તની ચર્ચા માટે સંકલન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલા ઘણા સમયથી સંકલન અને સ્ટેન્ડીંગમાં કોર્પોરેટરો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી રહી છે. જેના લીધે શહેર ભાજપ પ્રમુખ દ્વારા વખતો વખત અધિકારીઓને સુચનાઓ અપાઈ રહી છે તેવું આજની સ્ટેન્ડીંગમાં પણ બન્યું હોવાનું જાણવા મળેલ છે. એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ ફરી વખત ગેરકાયદેસર બાંધકામોને આપવામાં આવતી નોટીસનો સ્ટેન્ડીંગમાં કોર્પોરેટરો અને સભ્ય દ્વારા વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મનમાની કરી પ્લાન મુકતા જ નોટીસો અપાતી હોવાની ફરિયાદો સ્ટેન્ડીંગ ચેરમેન તથા ભાજપ પ્રમુખને કરી આ પ્રકારની કામગીરી અટકાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ ફરી વખત ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. બાંધકામ પરમીશન અંતર્ગત મનપાની ટીમો દ્વારા અગાઉ આપવામાં આવેલ નોટીસનો જવાબ રજૂ કરવાના આદેશ થયા છે. તેમજ નવા તૈયાર થતાં ગેરકાયદેસર બાંધકામોને પણ ડિમોલેશનની નોટીસો આપાવમાં આવે તેવી સુચના ટાઉન પ્લાનીંગ વિભાગને અપાતા અંદાજે 302 જેટલા એકમોને નોટીસ આપી હોવાનું સત્તાવાર જાહેર કરાયું છે. ત્યારે તેનો લોકો દ્વારા તો ઠીક પરંતુ કોર્પોરેટરોએ વિરોધ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આજની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સંકલન દરમિયાન કોર્પોરેટરોએ શહેર ભાજપ પ્રમુખને જણાવેલ કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાંધકામોને આડેધડ નોટીસો આપવામાં આવી રહી છે. અમુક બાંધકામ માટે પ્લાન મુકવામાં આવ્યો હોય અને બાંધકામ શરૂ થયું હોય ત્યારે તપાસ કર્યા વગર 260ની નોટીસ આપી જવાબ માંગવામાં આવી રહ્યા છે. આથી આ પ્રકારની આડેધડ થતી કામગીરી અટકવી જોઈએ અને તટસ્થ કામગીરી થાય તેમ એક સુરે જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે.
મનપા દ્વારા તાજેતરમાં કોર્પોરેટરોના પ્રશ્ર્નો અને ફરિયાદો માટે સ્પેશિયલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં અધિકારીઓ દ્વારા ન થતાં કામો તેમજ પોતાના વિસ્તારની ફરિયાદો આ એપ્લિકેશન મારફતે કરી સરળતાથી પ્રશ્ર્નોનું નિવારણ સરળતાથી મેળવી શકે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. પરંતુ કોર્પોરેટરો દ્વારા એપ્લિકેશનનો ઉપયોગ કરવાના બદલે હવે ગેરકાયદેસર બાંધકામોને અપાતી નોટીસોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ અનેક દૂર્ઘટનાઓ તેમજ અનેક બાંધકામો માટે રાજકીય ભલામણોને જવાબદાર ઠેરવવામાં આવી છે. અને આજે પણ ટાઉન પ્લાનીંગ વિભાના અમુક અધિકારીઓ રાજકીય ભલામણોના કારણે ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડાકાન કરી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જ કોર્પોરેટરો દ્વારા જ આડેધડ ડિમોલેશની નોટીસો અપાતી હોવાની ફરિયાદો થતાં ફરી વખત રાજકીય ભલામણોનો હેતુ હવે બર આવતો ન હોય આ પ્રકારના બાંધકામોનું ડિમોલેશન અટકાવવાનો ફરી પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી ચર્ચા જાગી છે.
તટસ્થ તપાસ થાય તો ફરિયાદો આપોઆપ થશે બંધ
મનપાની સ્ટેન્ડીંગની બેઠકમાં કોર્પોરેટરો દ્વારા ડિમોલેશનની અપાતી નોટીસનો વિરોધ કરી આડેધડ થતી કામગીરી અટકાવવા માટેનુ દબાણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા હાલમાં આપવામાં આવેલ નોટીસો અને અગાઉ અપાયેલ નોટીસોના ગેરકાયદેસર બાંધકામો કોની ભલામણથી ધમધમતા હતાં અથવા ક્યા અધિકારીઓની ભલામણથી પુરા થયા તે સમગ્ર બાબતની તટસ્થ તપાસ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવે તો ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશન માટે અપાયેલી નોટીસનો વિરોધ આપોઆપ શાંત થઈ જાય તેવુ જાણકારો કહી રહ્યા છે.