ગત માસ કરતા 1591 દસ્તાવેજ ઓછા છતાં સ્ટેમ્પ ડ્યૂટી-ફીની આવકમાં વધારો
તેજીના ટકોરા? હાઇ વેલ્યુ ફલેટ-પ્લોટ-પ્રોપર્ટીનું વેચાણ વધ્યું
મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1419 દસ્તાવેજો નોંધાયા
વર્ષ 2024મા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર કચેરીમા 1.60 લાખ જેટલા દસ્તાવેજો નોંધાયા બાદ આ વર્ષની શરૂૂઆત જ મંદીથી શરૂૂ થઇ હતી. જાન્યુઆરી મહિનામાં દસ્તાવેજ નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી આવકમાં રૂૂા. 6.08 કરોડ જેટલુ ગાબડુ પડયુ હતું.
પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ઓછા ચાલુ દિવસો હોવા છતાં ઊંચી કિંમતના ફ્લેટ-પ્લોટ-પ્રોપર્ટીનું વેચાણ વધતા સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂૂ. 64,95,97,531 અને રજીસ્ટ્રેશન ફી પેટે રૂૂ. 10,61,69,923ની આવક થઇ હતી.લકઝરી અને અપર લકઝરી સેગમેન્ટમા ઘણા બધા પ્રોજેકટસમાં બુકીંગ જાન્યુઆરી મહિનામાં નહીવત જોવા મળી રહયા હતા. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં અનેક ઊંચી કિંમતના ફ્લેટ-પ્લોટ-પ્રોપર્ટીનું વેચાણ વધ્યું હતું જેની સીધી અસર સબ રજીસ્ટ્રાર ઓફીસમા નોંધાતા દસ્તાવેજ પર જોવા મળી હતી.
ફેબ્રુઆરી 2025મા જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર ઓફીસમા 12191 દસ્તાવેજ નોંધાયા હતા. જયારે જાન્યુઆરી મહિનામા 13782 દસ્તાવેજ નોંધાયા હતા. જાન્યુઆરી 2025મા રજીસ્ટ્રેશન ફી પેટે રૂૂા. 10,80,16,499 અને સ્ટેમ્પ ડયુટી પેટે રૂૂા. 63,99,83,186ની આવક થઇ હતી. જેથી જાન્યુઆરી 2025ની કુલ આવક રૂૂા. 74,79,99,685 નોંધાઇ છે. જયારે ફેબ્રુઆરી મહિનામાં રજીસ્ટ્રેશન ફી પેટે રૂૂા. 10,61,69,923 અને સ્ટેમ્પ ડયુટી પેટે રૂૂા. 64,95,97,531ની આવક થઇ હતી.
ફેબ્રુઆરી 2025મા સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ સબ રજીસ્ટ્રાર ઓફીસ ખાતે નોંધાયા હતા. મોરબી રોડ ઓફીસ ખાતે 1419, મવડી ઓફીસ ખાતે 1310, ગોંડલ ઓફીસ ખાતે 1062, લોધીકા ઓફીસ ખાતે 699, કોઠારીયા ઓફીસ ખાતે 844, રૈયા ઓફીસ ખાતે 1060 દસ્તાવેજ નોંધાયા હતા.
