સ્ટાફ SIRની કામગીરીમાં દાખલા માટે અરજદારોનો કલાકો સુધી ભઠ્ઠાશેક
કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં છ માસથી પોર્ટલના ડખ્ખા અને હવે સ્ટાફને મતદારયાદીની કામગીરીમાં જોતરી દેવાતા સિવિક સેન્ટરમાં લાંબી લાઇનો
11માંથી 9 કર્મચારીને ધરાર અન્ય ડ્યુટી સોંપી દેવાઇ, શાસક-વિપક્ષના નેતાઓ અને અધિકારીઓની શાહમૃગી વૃત્તિ
રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરો પર દરરોજ જરૂરિયાતમંદ અરજદારો આવતા હોય છે. જેમા ખાસ કરીને જન્મ-મરણના દાખલાઓ કઢવવા રોજે રોજ લોકોનો સતત ધસારો રહેતો હોય છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા જન્મ-મરણ વિભાગની કામગીરી અન્ય વિભાગોની તુલનાએ સૌથી વધુ ધીમી ચાલતી હોવાનુ અનેક વખત બહાર આવ્યુ છે. જેમાં છેલ્લા છ મહિનાથી ત્રણ-ત્રણ પોર્ટલોના ડખ્ખાએ મોટી મુશ્કેલીઓ ઉભી કરી છે અને વિભાગ દ્વારા ધીમે ધીમે ગાડૂ પાટે ચડાવવાની કોશીશ કરાઇ રહી છે. ત્યારે જ ગઇકાલે જન્મ-મરણ વિભાગના સ્ટાફને ચૂંટણી કામગીરી માટે લઇ જવાતા આજે જન્મ-મરણ વિભાગમાં અંદર કાગળા ઉઠતા નજરે પડ્યા હતા. જયારે બહાર સેન્ટ્રલ ઝોન કચેરીના ગેઇટ સુધી અરજદારોની લાઇનો જોવા મળી હતી. છતાં રીબીનો કાપી ફોટા પડાવવામાં પોતાનુ શુરા સમજતા શાસકો અને જરૂર પડ્યે પ્રજા માટે વિરોધ કરવામાં ઉંણા ઉતરેલા વિપક્ષો અને અધિકારીઓ આ બાબતથી અજાણ હોવાનુ ઢોગ કરી આંખ આડા કાન કરતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મનપાના જન્મ-મરણ વિભાગમાં આજે મોટી લાઇનો જોવા મળતા આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે ઓછો સ્ટાફ હોવા છતા તમામ સ્ટાફને ચૂંટણી કાર્યમાં ધકેલી દેવાતા ઓપરેટર સહિતની કામગીરી ઠપ થઇ જતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ક્રમાંક મા અજરદારોને બેસાડવાનુ પણ માંડી વાળ્યુ હતું. હાલ જન્મ-મરણ વિભાગમાં 11 કર્મચારીનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જે પૈકી 9 કર્મચારીઓને ચૂંટણી કામમાં લઇ જવામાં આવ્યુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું. જેના લીધે જન્મ-મરણ વિભાગમાં એક મુખ્ય અધિકારી અને એક મહિલા કર્મચારી જ નજરે પડતા હતા.
તેમજ અરજદારોને લાઇનો સહિતની વ્યવસ્થા કરનાર સિક્યુરિટી ગાર્ડનો સ્ટાફ પણ નવરો જોવા મળ્યો હતો. છેલ્લા છ માસથી પોર્ટલના ડખ્ખા ચાલુ છે અને મનપા, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના પોર્ટલ સહિતના ત્રણ પોર્ટલ ઉપર અલગ-અલગ પ્રકારની કામગીરી કરવામાં જન્મ-મરણ વિભાગના સ્ટાફને પરસેવો વળી જાય છે. જેની જાણ કારી ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય પક્ષોને પણ છે. છતાં આજે ધોમ તડકામાં સવારથી ઉભા રહેલા અરજદારોની પરેશાની જોવા કોઇ ફરકયુ ન હતું. મહાનગર પાલિકાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂૂૂ કરવામાં આવી છે.
બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે તંત્રએ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી એક સાથે શરૂૂૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આજે મરણના દાખલા માટે ફાયર વિભાગની ચીઠ્ઠી માંગતાં અરજદારો દોડતા થઈ ગયા છે.
આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્યા છે. છતાં પદાધિકારીઓએ એક પણ વખત આ મુદ્દે જન્મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્મ-મરણ વિભાગનો સ્ટાફ બની રહ્યો છે.
મનપાના જન્મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતા લાચર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે જ સ્ટાફ વધારવાના બદલે તમામ સ્ટાફને ઉઠાવી લેવાતા અરજદારોની સ્થિતિ બીચારા જેવી થઇ ગઇ છે.
અમારા કોર્પોેરેટરો નકામા સાબિત થયા: લોકોની વ્યથા
મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી અરજદારોની લાઇનો લાગી રહી છે. સરકાર દ્વારા નવા પોર્ટલમાં કામગીરી શરૂ કરાતા તંત્ર લાચાર થઇ ગયુ છે. છતા અધિકારીઓની કુનેહના કારણે ત્રણેય પોર્ટલ ઉપર એક સાથે કામ કરી અરજદારોનો રોષ ઓછો કરવાનો પ્રયતન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ચૂંટણી કામ માટે જન્મ-મરણ વિભાગ સ્ટાફને લઇ જવાતા આજે લાગેલી અરજદારોની લાઇનોમાં અનેક આખા બોલાઓને કહેતા સાભળવા મેળલ કે, ભરોષો કરી મત આપીને ચૂંટી કાઢેલા અમારા કોર્પોરેટરો નકામાં સાબિત થયા છે અને અમૂક લોકો શાસક તેમજ વિપક્ષને પણ ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા હતા. જેની જાણ કદાચ ઉપર સુધી થાય અને કામગીરીમાં સુધારો આવે તેવી શકયતા નહીંવત જોવાઇ રહી છે.