દિવાળી તહેવારોમાં એસ.ટી. બમ્પર દોડી, 8647 ટ્રીપમાં 3.78 લાખ લોકોની મુસાફરી
સૌથી વધુ સંચાલન નડિયાદ અને સુરતથી કરાયેલું: રાજકોટ ડેપોથી 329 ટ્રીપ દોડી
રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કુલ 8,648 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સફળ આયોજન કરીને 3.78 લાખથી વધુ મુસાફરોને પોતાના વતનમાં સમયસર અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી નિગમના તમામ વિભાગ દ્વારા તા.16 થી તા.20 ઓક્ટોબર 2025, દરમિયાન એક્સ્ટ્રા બસોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતનમાં ઉજવી શકે તે માટે સૌથી વધુ નડીયાદ ખાતેથી 1,851 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવી 64,000 મુસાફરોએ તથા સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ અન્ય મુસાફરો માટે 1300 ટ્રીપો થકી 68,000 મુસાફરોએ મળીને ફકત બે શહેરોથી જ 3,151 ટ્રીપોના માધ્યમથી 1.32 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ ડેપોથી 678 ટ્રીપો ચલાવી 42,000 મુસાફરોએ, હિમતનગર ખાતેથી 880 ટ્રીપોના માધ્યમથી 41,000 મુસાફરોએ, જૂનાગઢ ખાતેથી 804 ટ્રીપો દ્વારા 33,000 મુસાફરોએ, પાલનપુર ખાતેથી 519 ટ્રીપો થકી 30,000 મુસાફરોએ, મહેસાણામાં 645 ટ્રીપોથી 25,000 મુસાફરોએ, વડોદરામાં 437 ટ્રીપો ચલાવી 17,000 મુસાફરોએ, રાજકોટ ખાતેથી 329 ટ્રીપો થકી 16,000 મુસાફરોએ, ગોધરા ખાતેથી 355 ટ્રીપો દ્વારા 15,000 મુસાફરોએ, અમરેલી ખાતેથી 297 ટ્રીપોના માધ્યમથી 15,000 મુસાફરોએ તેમજ ભાવનગરથી 353 ટ્રીપો ચલાવી 12,000 મુસાફરોએ એમ કુલ 12 મુખ્ય શહેરોથી 8 હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી રાજ્યના 3.78 લાખથી વધુ મુસાફરોને એસ.ટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોના સમયે રાત-દિવસ બસો ચલાવીને પોતાના ગંતવ્ય સ્થાને સલામત રીતે પહોચાડવામાં આવ્યા છે.
