રાજ્યમાં 29થી 31 સ્પોટર્સ ડે, 6921 શાળાઓ રમત-ગમતના મેદાનવિહોણી
15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરાઈ નથી, અભાવ વચ્ચે કઇ રીતે રમશે બાળકો, વિપક્ષનો શાસકોને સવાલ
રાજય સરકાર દ્વારા તા.29 થી 31 ઓગસ્ટ શાળાઓમાં સ્પોટર્સ ડેની ઉજવણી કરવા માટે ફરમાન આપવામાં આવ્યું છે. પરંતુ ખાટલે મોટી ખટો છે. રાજયની 6921 સરકારી શાળાઓ રમત-ગમતના મેદાન વિહોણી છે અને 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરાય નથી. તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
દર વર્ષે, રાષ્ટ્રીય રમત-ગમત દિવસના રોજ શ્રેષ્ઠ ખેલાડીઓને રાષ્ટ્રીય રમત-ગમત પુરસ્કારો આપવામાં આવે છે, જે દેશભરમાં રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠતા અને સિદ્ધિઓને માન્યતા આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક અને સમાવેશી વિઝન સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ છે, દેશમાં ફિટનેસ અને રમતગમતની મજબૂત સંસ્કૃતિનું નિર્માણ કરવું, રમત-ગમત થકી સમગ્ર ભારતને એક કરવું અને તમામ માટે ફિટનેસને પ્રોત્સાહન આપવું.
ગુજરાતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ત્રણ દિવસની ઉજવણી માટે તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવશે. આ માટે, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સક્રિય કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક મોટો રમત-ગમતનો કાર્યક્રમ અને તાલુકા સ્તરે અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ માટે જિલ્લાવાર નોડલ અધિકારીઓ (DSDO અને DSO)ની નિમણૂંક કરવામાં આવશે. વધુમાં, તમામ જિલ્લાઓમાં વીઆઇપી અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
આ અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ચિત્ર, સંગીત અને વ્યાયામના 40 હજાર શિક્ષકોની શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી અને 6,921 સ્કૂલોમાં મેદાન પણ નથી, તો શાળાઓમાં વિધાર્થીઓ વધારાની પ્રવૃતિઓ કેવી રીતે કરી શકશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાર વગરના ભણતરનો વિચાર સુંદર છે, પણ જે શાળાઓમાં શિક્ષકો જ નથી, મેદાન જ નથી, ત્યાં વિદ્યાર્થી કઈ રીતે ઉજવણી કરશે. રાજ્યમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, પણ નવી ભરતી કરાતી નથી. રાજ્યમાં 6921 જેટલી પ્રાથમિક શાળાઓ પાસે મેદાન જ નથી, ત્યારે આવા દિવસો પર વિદ્યાર્થીઓ કઈ રીતે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
તેમણે સ-રકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકોની પણ વર્ષોથી ભરતી કરવામાં આવી નથી. અને વર્ચુઅલ શિક્ષણના દાવાઓ અધૂરા છે. પ્રવેશોત્સવના નામે કરોડોની જાહેરાતો થાય છે, પણ શિક્ષકોની ભરતી માટે ક્યારેય ઉત્સવ યોજાતો નથી.
સરકારનો રમતોત્સવ નહીં રાજકારણોત્સવ: યુવરાજસિંહ
આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારી શાળાઓમાં રમતગમત તો કાગળ પર જ થાય છે, મેદાન પર નહીં. અને બાળકોના સપનાલક્ષ્યો પણ આ જ કાગળોમાં દબાઈ જાય છે.પણ સરકારના ફતવા પ્રમાણે કાગળ પર કાર્યક્રમો ઝગમગાટથી થવા જ જોઈએ!સરકારને લાગે છે કે ખાલી સર્ક્યુલર જ રમતગમતની ખાતરી છે અને રમતવીરો કાગળમાંથી ઊગી આવશે.2012 પછીથી આજ સુધી એક પણ વ્યાયામશિક્ષક (પી.ટી. ટીચર) ની ભરતી નથી થઈ. શાળાઓમાં બાળકોને રમત-કસરત શીખવાડવા માણસ જ નથી, અને ઉપરથી મોટા ગજાના સ્લોગન મારીયે છીએ. ખેલે ગુજરાત, રમશે ગુજરાત! હકીકત તો એ છે કે જ્યારે ગરીબ વ્યાયામ શિક્ષકો નોકરી માટે આંદોલન પર ઊભા રહ્યા, તો સરકારના ઈશારે એના ચમચાઓ એ આવી શકુનિ ચાલથી આંદોલન પણ સમેટી લીધું અને માંગણીઓનું ફિન્ડલુ વાળી નાખ્યું અને છોકરાઓને કોણી એ ગોળ ચોટાડી રવાના કરી દીધા. અંતે તો આ બધું માત્ર તાપફો, દેખાડો અને પીઆર એક્સરસાઇઝ જ છે! ખરી વાત એ છે કે આ બધું રમતગમતનું આયોજન નથી, રાજકીય દેખાડાનો ખેલ છે.સાચું કહું તો આ બધું પોલિટિકલ એક્સરસાઇઝ છે, સ્પોર્ટ્સ એક્સરસાઇઝ નહીં.