તમામ તાલુકાઓમાં સરકારી જમીન પર બનશે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
રૂા.245 લાખના ખર્ચે ઉપલેટા, પડધરી, કો.સાં., જસદણ અને જામકંડોરણામાં કામગીરી શરૂ, અન્ય તાલુકામાં જમીનનો સરવે ચાલુ
રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડા અને અંતરીયાળ વિસ્તારના બાળકોને રમત ગમત માટે સ્થાનિક અને તાલુકા કક્ષાએ રમત ગમતનું મેદાન મળી રહે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકામાં સ્પોટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ તાલુકામાં સ્પોટ્સ કોમ્પલેક્ષના નિર્માણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે રાજકોટ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બાળકોની પ્રતિભા માટે રમત ગમતના મેદાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તમામ તાલુકામાં સરકારી જમીન પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. હાલ રૂા.245 લાખના ખર્ચે ઉપલેટા, પડધરી, કોટડા સાંગાણી, જસદણ અને જામકંડોરણામાં સ્પોટસ કોમ્પલેક્ષના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જયારે વિંછીયા, ધોરાજી, જેતપુર, ગોંડલ, લોધીકામાં સરકારી જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે પૂર્ણ થતાની સાથે જ ત્યાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આગામી ત્રણ જ વર્ષમાં જિલ્લાના રમતવિરોને સુવિધા મળી રહી તે માટે કલેકટર તંત્ર કટીબધ્ધ છે.
વધુમાં કલેકટરે જણાવ્યું હતુ કે તમામ તાલુકામાં નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પલેક્ષની દેખરેખ માટે અને સંચાલન માટે જે તે તાલુકાના મામલતદારના અધ્યક્ષ સ્થાને એક કમીટીની રચના કરવામાં આવશે. આ કમીટીમાં સ્થાનિક આગેવાન, વિદ્યાર્થીઓનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે જેથી સ્થાનિક કક્ષાએથી જ કોમ્પલેક્ષની જાળવણી થાય અને રમતવિરોની એક સારી એવી સુવિધા લાંબા સમય સુધી મળી રહે. કમીટી દ્વારા સંમયાંતરે સુવિધાની સમીક્ષા કરવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી પણ માહિતી મંગાવવામાં આવતી રહેશે. રાજકોટ જિલ્લાના પ્રતિભાશાળી રમતવિરોને એક અલાયદી સુવિધા મળી રહે અને પોતાનો જિલ્લો છોડી અન્ય સ્થળે જવું ન પડે તે માટે આ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ સ્પોટસ કોમ્પલેક્ષમાં તમામ રમત ગમતની સુવિધા મળી રહેશે. તેમ કલેકટર કચેરીના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને પણ સુવિધા અપાશે
સ્પોટસ કોમ્પલેક્ષમાં રમત-ગમત ઉપરાંત સરકારી ભરતીની તૈયારી કરનાર ઉમેદવારોને પણ અનુકુળ વાતાવરણ આપવામાં આવશે જેમાં પોલીસ ભરતીના ઉમેદવારો રનિંગ કરી શકશે અને લેખીત પરીક્ષા માટે વાંચી પણ શકશે.