કંડલાથી મુંબઈ જતાં સ્પાઇસજેટના વિમાનનું ટાયર અચાનક તૂટ્યું, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જુઓVIDEO
આજે (૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫) મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાય હતી. કંડલા એરપોર્ટથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું ઉડાન ભરતાની સાથે જ અચાનક પૈડું તૂટીને નીચે પડ્યું હતું.પાયલટે કટોકટી જાહેર કરી હતી. સદનસીબે વિમાન મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું. કંડલા એટીસીએ પૈડું નીચે પડી જવાની માહિતી આપી હતી. ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી. આજે સાંજે લગભગ ચાર વાગ્યે વિમાન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું.
સ્પાઇસજેટ એરલાઇન્સનું આ વિમાન ગુજરાતના કંડલા એરપોર્ટથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે 75 મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે રવાના થયું હતું. જોકે આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ગુજરાતના કંડલા એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ વિમાને તેની મુસાફરી ચાલુ રાખી અને સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતરાણ કર્યું. પરંતુ, આ ઘટનાની માહિતી મળતાં જ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી.
https://x.com/nextminutenews7/status/1966463797943730474
અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે જ્યારે કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ હવામાં કંઈક પડતું જોયું ત્યારે વિમાન ઉડાન ભરી ચૂક્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કંડલા ATCએ વિમાન ઉડાન ભર્યા પછી તરત જ કંઈક નીચે પડતું જોયું. આ પછી, તેઓએ તાત્કાલિક વિમાનના પાયલોટને જાણ કરી અને વિમાનમાંથી પડી ગયેલી વસ્તુ લાવવા માટે ATC જીપ મોકલી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.''
મળતી માહિતી અનુસાર વિમાનનું પૈડું જમીન પર પડતાની સાથે જ, પાયલોટે સમજદારી બતાવી અને વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી વિમાનને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,'12મી સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ત્યાર બાદ વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતી.'