વડાપ્રધાનની સુરક્ષા માટે એસ.પી.જી.ની ટીમના રાજકોટમાં ધામા
- પોલીસ કમિશનર દ્વારા શુક્રવારે સમગ્ર પોલીસ બંદોબસ્તનું રિહર્સલ કરાશે: શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે
રાજકોટ નજીક 1100 કરોડના ખર્ચે તૈયાર થયેલ એઈમ્સ હોસ્પિટલનાં લોકાર્પણ માટે વડાપ્રધાન રાજકોટના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે દિલ્હી ખાતેથી આજે એસ.પી.જી.ની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે અને પોલીસ કમિશ્નરની સાથે રહી વડાપ્રધાનની સુરક્ષા માટેનો મોરચો સંભાળી લીધો છે.
આગામી 25મી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 3000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વડાપ્રધાનની સુરક્ષા માટે દિલ્હી ખાતેથી એસપીજીની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી અને વડાપ્રધાનની સુરક્ષાનો મોરચો સંભાળી લીધો છે. રાજકોટ શહેરમાં વડાપ્રધાનના જે જે સ્થળે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે તે તમામ સ્થળોની એસપીજી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે સૌરાષ્ટ્રમાંથી વધારાનો પોલીસ સ્ટાફ અને અર્ધલશ્કરી દળની ટીમોની માંગણી રાજ્યના પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે ત્યારે ટૂંક સમયમાં જ વધારાનો પોલીસ અધિકારીઓ અને અર્ધલશ્કરી દળની પણ ફાળવણી કરી દેવામાં આવશે.
રાજકોટનાં પરાપીપળીયા નજીક તૈયાર થયેલ એઈમ્સનું વડાપ્રધાન દ્વારા લોર્કાપણ કર્યા બાદ વડાપ્રધાન સીધા જ રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલ જાહેરસભા કાર્યક્રમમાં હાજર રહેશે અને ત્યાંથી હિરાસર એરપોર્ટ ખાતે થઈ દિલ્હી જવા રવાના થવાના હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાનના રાજકોટનાં કાર્યક્રમ માટે એઈમ્સ, રેસકોર્ષ રીંગ રોડ, સિવિલ હોસ્પિટલ, ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સરકીટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આગામી શુક્રવારે સાંજે વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત પોલીસ બંદોબસ્તનું રિહર્સલ પણ રાખવામાં આવ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.