સ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો; સરા ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલા 6 માસના માસુમનું મોત
માતા-પિતા સાથે મોસાળમાં જતો બાળક રસ્તાનું કામ ચાલુ હોવાથી બનાવેલા સ્પીડ બ્રેકર આવતાં બાઈક પરથી ગબડી પડયો’તો
મુળી તાલુકાના નાડધી ગામે રહેતો પરિવાર બાઈક લઈને સરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તાનું કામ ચાલુ હોવાથી બનાવેલ સ્પીડબ્રેકર અચાનક આવી જતાં છ વર્ષનો માસુમ બાળક માતા પિતાની નજર સામે બાઈક પરથી ઉલળીને નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળી તાલુકાના નાડધી ગામે રહેતો પરિવાર બાઈક લઈને સરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તાનું કામ ચાલુ હોવાથી બનાવેલ સ્પીડબ્રેકર અચાનક આવી જતા બાઈક સ્વાર સચિન વસંતભાઈ ઓગાણીયા નામનો છ વર્ષનો માસુમ બાળક બાઈક પરથી ઉલળીને નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સચિન ઓગાણીયા માતા પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો. ગઈકાલે હળવદ રહેતાં મામાના ઘરે માતા-પિતા સાથે જતો હતો ત્યારે સરા ચોકડી પાસે રોડનું કામ ચાલુ હોવાથી બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર અચાનક આવી જતાં બાઈક પરથી માસુમ બાળક નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.