અગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમ
કાયદાની જોગવાઇ મુજબ કેસ ડેટ ટુ ડેટ ચલાવતા ડિસ્ટ્રિકટ કોર્ટમાં લેખિત રજૂઆત
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયા બાદ છ-છ મુદત પડવા છતાં કેટલાક આરોપીઓએ વકીલો નહિ રોકતા સેશન્સ કોર્ટ દ્વારા આગામી તા.23 મી સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. આરોપીઓ વકીલ નહિ રોકી કેસ ચલાવવામાં વિલંભ ઉભો કરી રહ્યા હોવાથી સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી દ્વારા ડિસ્ટ્રીકટ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ કાયદાની જોગવાઈ મુજબ ડેટ ટુ ડેટ ચલાવવા રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ છ-છ મુદત પડવા છતાં કેટલાક આરોપીઓએ વકીલો નહિ રોકતા સેશન્સ કોર્ટ દ્વારા આગામી તા.23 મી સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી.
કેટલાક આરોપીઓ વકીલ નહિ રોકી વકીલ રોકવા મુદતો માંગી કેસ ચલાવવામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. જેને લઈને સ્પે.પીપી તુષાર ગોકાણી દ્વારા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખિત અરજી કરી ટ્રાયલ કાયદાની જોગવાઈ મુજબ ડેટ ટુ ડેટ કેસ ચલાવવા રજુઆત કરવામાં આવી છે.