પ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રઢતા જળવાઈ રહે તે માટે એસ.પી. જયદીપસિંહ જાડેજાએ એક વધુ કડક અને નક્કર નિર્ણય લીધો છે. પ્રભાસ પાટણ પોલીસ મથકના પી.આઈ. એમ.વી. પટેલને શિસ્તભંગના ગંભીર આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પી.આઈ. પટેલે એસ.પી. દ્વારા મંજૂર કરાયેલી મર્યાદિત રજા બાદ પણ મનસ્વી રીતે સિક લિવ પર ઉતરી જવાથી આ આકરી કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પી.આઈ. પટેલ પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગે રજા માંગેલ હતી. જો કે સોમનાથ ખાતે હાલ કાર્તિકી પૂર્ણિમાનો મહામેળો ચાલુ હોય અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હોવાને કારણે તેમજ સતત વી.આઈ.પી. મુવમેન્ટને ધ્યાનમાં લઈને એસ.પી. જાડેજાએ દોઢ દિવસની રજા મંજૂર કરી હતી.
આટલી રજા બાદ પણ પી.આઈ. પટેલ ફરજ પર હાજર ન રહેતાં એસ.પી. દ્વારા તેમને તાત્કાલિક હાજર થવા નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં આ નોટિસની અવગણના કરી પી.આઈ. પટેલ ચાર દિવસ સુધી ફરજ પર પરત ફર્યા ન હતા, જે મામલે શિસ્તભંગ ગણાતા આખરે એસ.પી. જાડેજાએ તેમને સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરી દીધી.
ઉલ્લેખનીય છે કે આ જ સમયગાળામાં ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ પણ સિક લિવ પર ઉતર્યા હતા, પરંતુ નોટિસ મળતાની સાથે જ તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા, જ્યારે પી.આઈ. પટેલે નોટિસ અવગણતા એસ.પી.ને આકરું પગલું ભરવું પડ્યું. એસ.પી. જયદીપસિંહ જાડેજાના આ કડક નિર્ણયને લઈ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાને ઘણા લોકો પોલીસ શિસ્ત અને જવાબદારીનું દ્રષ્ટાંત ગણાવી રહ્યા છે, તો કેટલાક વર્ગોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.