સોની વેપારી આપઘાત પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતું ! આક્ષેપો બાદ રાત્રે સામસામી બઘડાટી
શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. અશ્વિનભાઇ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટના આધારે ચાર શખ્સ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો પણ નોંધાયો હતો. શુક્રવારે મૃતકના પરિવારજનોએ આ મામલામાં એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ આહીર અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા સામે હવાલાકાંડના આક્ષેપ કર્યા હતા અને શનિવારે બંને પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
આ મામલે ગઈકાલે મૃતક વેપારીના પુત્રના વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં પોતે ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવી લીધાની સ્ટોરી ઘડી હતી.આ મામલે હવે આજે પ્રહલાદ પ્લોટ શેરી નં. 49માં મૃતકના પુત્ર હિરેન અને ભત્રીજા તેજશ વિનોદરાય આડેસરા (ઉ.વ. 41, રહે. શ્રમજીવી સોસાયટી) અને વેપારી ધર્મેશ પારેખના પરિવારજનો વચ્ચે સામસામે મારામારી થતાં એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.એ-ડીવીઝન પોલીસના પીઆઇ બારોટની રાહબરીમાં તેજશ આડેસરા (ઉ.વ.41)ની ફરિયાદ પરથી આર્યન, ભાણેજ બહેન અને બનેવીસામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું કે હિરેન પ્રહલાદ પ્લોટ શેરી નં.49માં હતા ત્યારે આરોપીઓએ અપશબ્દ કહી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો.
જ્યારે સામા પક્ષે ધર્મેશભાઈના પત્ની દર્શનાબેન પારેખ (ઉ.વ. 40, રહે. પ્રહલાદ પ્લોટ શેરી નં.49)એ હિરેન અશ્વિનભાઈ આડેસરા, તેજશ વિનોદરાય આડેસરા,જયશ્રીબેન તુષાર રાણપરા,તુષાર રાણપરા અને તુષારના બંને પુત્ર તેમજ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.તેમાં જણાવ્યું હતું કે તે પરિવારજનો સાથે ઘરે હતા ત્યારે આરોપીઓએ ઘરે આવી બોલાચાલી કરી ગાળો આપી હતી તેમજ લાકડી વડે હુમલો કરી તેને,જિજ્ઞાબેન,સુજલને ઈજાઓ કરી હતી.હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હિરેનના પિતાએ લીંબડી પાસે આપઘાત કરી લીધા બાદ ગુનો દાખલ કરાયો હતો.જ્યારે એ- ડીવીઝન પોલીસ મથકમાં બોલાવી હિરેનને મારકૂટ કરાયા હોવાનો આક્ષેપ કરાતા બે પોલીસમેનને સસ્પેન્ડ કરાયા હતા.