દીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયા
પિતા દીકરી માટે હંમેશા સારૂ જ વિચારે, અભ્યાસની સાથે પરિવારની ઇજજત-સંસ્કાર જાળવી રાખે: સમુહ લગ્નમાં ભાવુક અપીલ
ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં લેઉઆ પટેલ સમાજના એક કાર્યક્રમ દરમિયાન યુવક-યુવતીઓને મહત્વની સલાહ આપી હતી. તેમણે સમાજના યુવાનોને પોતાની બાપ-દાદાની જમીન સાચવી રાખવા માટે ખાસ ટકોર કરી હતી, જ્યારે દીકરીઓને પણ પરિવારની ઈજ્જત અને પિતાની પાઘડીની ગરિમા જાળવવા માટે ભાવુક અપીલ કરી હતી.
ગઢ ગામમાં આયોજિત 16 ગામ લેઉઆ પટેલ સમાજના 28મા સમૂહ લગ્નમાં હાજરી આપતા જયેશ રાદડિયાએ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે બાપ-દાદાએ ખૂબ મહેનત કરીને આ જમીન જાળવી રાખી છે. સમાજના યુવાનોએ આ જમીન વેચી ન મારવી જોઈએ, પરંતુ તેને સાચવીને આગળની પેઢી માટે વારસો જાળવી રાખવો જોઈએ. તેમણે યુવાનોને પોતાની ખેતી અને મિલકત પ્રત્યે સભાન રહેવાની અપીલ કરી હતી.
રાદડિયાએ માત્ર પાટીદાર સમાજની જ નહીં, પરંતુ તમામ સમાજની દીકરીઓને સંબોધન કર્યું હતું. તેમણે અપીલ કરતા કહ્યું કે તમામ સમાજની દીકરીઓએ પોતાના પિતાની પાઘડીની ઈજ્જત સાચવવી જોઈએ.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે છે. તેમણે દીકરીઓને અભ્યાસના ક્ષેત્રે ખૂબ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, સાથે જ ભારપૂર્વક જણાવ્યું હતું કે અભ્યાસની સાથે-સાથે પોતાના પરિવારની ઈજ્જત અને સંસ્કાર જાળવી રાખવા તે પણ એટલું જ જરૂૂરી છે. જયેશ રાદડિયાએ આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર 21 નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી.