લીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપ
લીંબડી તાલુકાના રાજકા ગામના સરપંચનો યુવાન પુત્ર લીંબડી અને રાજકા ગામ વચ્ચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઇજાગ્રસ્ત હાલતમાં મોતને ભેટેલા યુવકની હત્યા થયાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લીંબડી તાલુકાના રાજકા ગામે રહેતા રવિભાઈ બાબુભાઈ મકવાણા નામનો 25 વર્ષનો યુવક લીંબડી અને રાજકા ગામ વચ્ચે રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટના અંગે જાણ થતા લીંબડી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં મૃતક યુવકના પરિવારે રવિ મકવાણાની હત્યા થયાનો આક્ષેપ કરતાં લીંબડી પોલીસે યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
પ્રાથમિક તપાસમાં મૃતક રવિ મકવાણાના પિતા બાબુભાઇ મકવાણા રાજકા ગામના સરપંચ છે અને યુવકની હત્યા થયાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસે ત્રણ શકમંદોને સકંજામા લઈ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.