ભાવનગરમાં પિતાની નજર સામે જ પુત્રની હત્યા
આરોપી અલ્તાફે બે સગા બનેવી, અન્ય એક યુવકની હત્યા બાદ વધુ એક લોથ ઢાળી
અગાઉની માથાકૂટમાં ઢીમ ઢાળી દીધાની આશંકા: આરોપીઓને પકડવા ટીમો બનાવી
ભાવનગરમાં ગઇકાલે વડવા વિસ્તારમાં ત્રણ શખ્સે એક યુવક પર જાહેર રોડ પર છરીઓના ઘા મારતા આ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. હત્યાના બનાવમાં સંડોવાયેલ અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરનું નામ સપાટી પર આવતાં ભારે ચકચાર મચી જવા પામ્યું છે. અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરે અગાઉ તેના બે સગા બનેવી હત્યા કરી હતી, તેમજ અન્ય એક યુવકની પણ હત્યા કર્યા બાદ ગઇકાલે વધુ એક યુવકની હત્યા કરતા તેની સામે આ ચોથો મર્ડરનો ગુનો દાખલ થયો છે. પોલીસે આ બનાવ અંગે ત્રણ આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુસુફખાન અયુબખાન પઠાણે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડર, ભોલ્યો અને અનકાના નામ જણાવ્યાં છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ગઇકાલે ઘરે હતા ત્યારે તેમનો દિકરો બિસ્મીલ્લાખાન વાળ કપાવવા માટે અહેસાનભાઇની દુકાને ગયો હતો. દુકાન તેમના ઘરની નજીક આવેલી છે અને થોડીવારમાં બુમાબુમ થતાં યુસુફભાઇ ઘરની બહાર નિકળ્યા હતા જોયુ તો તેમના દિકરા પર અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડર છરીથી હુમલો કરી રહ્યો હતો તો આરોપી ભોલ્યો લાકડાના ધોકાથી અને અનકો પાઇપથી આડેધડ હુમલો કરી રહ્યાં હતા.
દિકરા પર હુમલો થતો જોઇને યુસુફભાઇ સ્થળ પર દોડી ગયા હતા અને તેમણે આરોપીઓને દિકરાને ન મારવા માટે સમજાવ્યાં હતા અને માફી માગતા આરોપીઓ ગાળો આપી સ્થળ પરથી જતા રહ્યાં હતા. જાહેર રોડ પર માથાભારે અલ્તાફ ઉર્ફે ડબલમર્ડરે છરીથી હુમલો કરતાં આ બનાવના પગલે સ્થળ પર ટોળા ભેગા થઇ ગયા હતા. હુમલામાં બિસ્મીલ્લા ખાનને માથાના ભાગે હાથે પગે ગંભીર ઇંજાઓ પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતાં આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. નિલમબાગ પોલીસે બનાવ અંગે ત્રણે આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીની તપાસ હાથ ધરી છે.
અલ્તાફ છરીથી હુમલો કરી રહ્યો હતો એટલે તેમણે કરગરીને દિકરાને ન મારવા માટે વિનંતી કરી માફી પણ માગી હતી. જો કે તેમ છતાં આરોપીઓએ બિસ્મીલ્લાખાનને છરીઓ મારી હતી અને આરોપી ફરાર થઇ ગયા હતા. યુસુફભાઇએ જણાવ્યું હતું કે, રહીમ ઓટોવાળા સાથે અગાઉ ઝઘડો થયો હોય તેની અદાવત રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો છે.
અલ્તાફે વડવા વિસ્તારમાં ત્રીજું મર્ડર કર્યું
અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડરે પહેલુ ખુન તેના બનેવીનું કરેલું જેમાં તેણે પાલિતાણા બસ સ્ટેન્ડ સામે આવેલા રેસ્ટોરન્ટમાં કરી હતી અને ત્યાંથી જ તેણે ભાવનગરમાં રહેતા તેના બીજા બનેવીને ફોન કરી તને પણ પતાવી દેવાનો છે તેમ જણાવી વડવાનેરા વિસ્તારમાં બીજા બનેવીની હત્યા કરી હતી. અલ્તાફે અગાઉ સમશેર નમના યુવકની જે હત્યા કરી હતી તે પણ વડવા વિસ્તારમાં કરી હતી અને ગઇકાલે તેણે બિસ્મીલ્લાખાનની હત્યા કરી તે પણ વડવામાં કરતા ત્રણ હત્યા વડવામાં કરી હોવાનું જાણવા મળ્યું છે.