માતા-પિતાથી વિખૂટા પડેલા બાળકને પરિવાર સાથે મિલન કરાવતી સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ
6 મહિનાના બાળકને વાલી સુધી પહોંચાડનાર પોલીસની સરાહના
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર શનિ-રવિ રજા અને પવિત્ર શ્રાવણના અંતિમ સોમવાર અનુલક્ષી દર્શનાર્થીઓની ભારે ભીડ હતી. તેવામાં રવિવારના દિવસે સોમનાથ મંદિર ખાતે દર્શને આવેલા રાજકોટના વતની સવિતાબહેન પોતાના છ મહીનાનું બાળક પોતાના પરિવારના જ સભ્યને સોંપીને દર્શન માટે અંદર ગયેલા ત્યારે બાળક રડતું હોય જેથી ઘરના સભ્ય બાળકને તે સ્થળે જ મુકી તેના મમ્મીને શોધવા માટે મંદિરમાં અંદર જાય છે. આવી સ્થિતીમાં સોમનાથ મંદિર સુરક્ષાના પોલીસ કર્મચારી કિરણબહેન વાળાનું ધ્યાન આ એકલા પડેલા બાળક ઉપર જાય છે.
તેઓ તુરત જ તે બાળકને લઇ મંદિરની અંદર બે કલાક સુધી તેમના પરિવારની તપાસ કરે છે અને તેનો પરિવાર મળી આવતા બાળકની ખરાઇ કરી અને પરત સોંપી આપેલ છે. આમ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે મે આઇ હેલ્પ યુ સુત્ર સાર્થક કરી સમગ્ર સોમનાથ પોલીસ વિભાગ અને ગુજરાત પોલીસનુન ગૌરવ વધારેલ છે.