વેરાવળમાં વોલ્ગા ધી ડેપો પર SOGનો દરોડો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા
વેરાવળમાં શંકાસ્પદ ભેળસેળિયા ઘી ના વેપાર અંગે વોલ્ગા ધી ડેપો પર એસઓજી દ્વારા ફૂડ વિભાગને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો, તપાસમાં લાયસન્સ પણ 2024 માં પૂરું થવા છતાં રિન્યુ કર્યા ન હોય સ્થળ પર નોટિસ ફટકારવામાં આવી છે તેમજ શંકાસ્પદ મુદામાલના સેમ્પલ લેવામાં આવ્યા છે.
નવરાત્રી-દશેરાના તહેવારોમાં કેટલાક ભેળસેળિયા વેપારીઓ જન આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરતાં પાટણ દરવાજા પાસે આવેલી વોલ્ગા ઘી ડેપો પર દરોડો પાડ્યો હતો. અહીંથી દેશી ઘી અને દિવેલ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો.તપાસ દરમ્યાન ખુલ્યું કે આ ડેપોનું લાયસન્સ 2024 માં જ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમ છતાં લાયસન્સ વિના વેપાર ચાલુ રાખવામાં આવતો હતો. આ હકીકત સામે આવતા ફૂડ વિભાગે નોટિસ ફટકારી છે.
દેશી ઘી અને દિવેલ ઘી બન્ને જથ્થા સ્થળ પરથી મળી આવ્યા. અધિકારીઓએ પ્રાથમિક રીતે દેશી ઘીમાં દિવેલની ભેળસેળ હોવાની શંકા વ્યક્ત કરી છે. પરિણામે ઘી તથા દિવેલના સેમ્પલ લઈ લેબ ટેસ્ટ માટે મોકલાયા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાનાર છે.
