રાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાન
‘જસ્ટિસ રાજકુમાર’ નામથી સોશિયલ મીડિયા પર ન્યાય માટે અભિયાનની શરૂઆત
ગુજરાતના ગોંડલમાં રાજસ્થાનના ભીલવાડા ખાતેના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં આજથી મૃતકની બહેન પૂજા જાટે JUSTICEFOR RAJKUMAR નામથી સોશિયલ મીડિયા પર ન્યાય માટે અભિયાનની શરૂૂઆત કરી છે.જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.રાજકુમારની બહેને આરોપ લગાવ્યો છે કે સરકાર આ મામલે મદદ કરવાને બદલે આઈબીની મદદથી તેમને સમર્થન આપનારા લોકો પર નજર રાખી રહી છે. તેમણે દાવો કર્યો છે કે આઈબીએ આરોપીઓ પર નજર રાખવી જોઈએ, જેથી ન્યાયની લડાઈમાં સાચું પરિણામ મળી શકે.
આ કેસની શરૂૂઆત 2 માર્ચ, 2025ના રોજ થઈ, જ્યારે રાજકુમાર જાટ અને તેમના પિતા રતનલાલ જાટની ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના બંગલા નજીક ગણેશ જાડેજા અને તેમના સાથીઓ સાથે બોલાચાલી થઈ હતી. રતનલાલના જણાવ્યા પ્રમાણે, આ ઘટના બાદ રાજકુમાર રાત્રે બંગલા પાસે પાછા ગયા અને ત્યારબાદ તેઓ ગુમ થયા. 4 માર્ચે તેમનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરઘડિયા બ્રિજ નજીક મળી આવ્યો હતો. રાજકોટ રૂૂરલ પોલીસે આ ઘટનાને અકસ્માત તરીકે નોંધી હતી, પરંતુ રાજકુમારના પરિવારે આ દાવાને નકારી કાઢ્યો અને હત્યાનો આરોપ લગાવ્યો હતો.
આ મામલામાં સૌથી મહત્વનો ખુલાસો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે, જેમાં રાજકુમારના શરીર પર અકસ્માતથી ન થઈ શકે તેવી ગંભીર ઈજાઓનો ઉલ્લેખ છે. રિપોર્ટ અનુસાર, રાજકુમારના શરીર પર 4 સે.મી. પહોળા લાકડીના મારના નિશાન, 7 સે.મી. ઊંડો ગુદામાં ચીરો, અને 39 સે.મી. લાંબી ખોપરીની ફાટેલી ઈજાઓ મળી આવી છે. આ ઉપરાંત, આંખ, નાક, હોઠ અને ગાલ પર ભારે ઈજાઓ પણ નોંધાઈ છે. આ ઈજાઓ 12 કલાકથી ઓછા સમયની હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે,જે બોથડ વસ્તુથી મારવાથી થઈ હોવાનું સૂચવે છે. રિપોર્ટમાં કુલ 24 મુદ્દાઓ પ્રથમ ભાગમાં અને 31 મુદ્દાઓ બીજા ભાગમાં નોંધાયા છે, જે હત્યાની આશંકાને વધુ મજબૂત કરે છે. રાજકુમારના પિતા રતનલાલે આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને બંદૂકની અણીએ અપહરણ કરી, તેને મારવામાં આવ્યો અને નગ્ન હાલતમાં હાઈવે પર પરેડ કરાવવામાં આવ્યો.
તેમણે પોલીસ પર પણ આરોપ લગાવ્યો કે તેઓએ શરૂૂઆતમાં મૃતદેહને અજાણ્યો જાહેર કરી દફનવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ અને અન્ય નેતાઓએ આ મામલે સીબીઆઈ તપાસની માગણી કરી છે, જ્યારે રાજસ્થાનમાં જાટ સમુદાયે ન્યાય માટે આંદોલનો શરૂૂ કર્યા છે.જોકે,રાજકુમારની બહેનનું સોશિયલ મીડિયા અભિયાન આ મામલે નવો વળાંક લાવી શકે છે. આ અભિયાન દ્વારા તેઓ દેશભરના લોકોને આ ઘટના વિશે જાગૃત કરવા અને ન્યાયની લડાઈને મજબૂત કરવા માગે છે.