બબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલ
દિવાળી વેકેશન અને સરદાર પટેલ જયંતીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય શરૂ રખાયું: વિદ્યાર્થી સંગઠન દ્વારા હલ્લાબોલ કરી ધરણાં, સૂત્રોચ્ચારથી શાળાઓ બંધ કરાવી
સરકાર પરિપત્રનો ઉલાળીયો કરવા માટે રીઢી થયેલી રાજકોટની શાળાઓએ ફરી એક વખત સરકારના બબ્બે પરીપત્રનો ઉલાળીયો કર્યો છે. દિવાળી વેકેશન અને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની જાહેર રજા હોવા છતાં પણ સ્કુલો શરૂ રાખી અને બાળકોને બોલાવી શૈક્ષણીક કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિશદ દ્વારા શાળાઓમાં જઇને વિરોધ પ્રદર્શન તેમજ ધરણા કરી શૈક્ષણીક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું.
રાજકોટની શાળાઓ દ્વારા સરકારના વિવિધ પરિપત્રનો છાસવારે ઉલાળીયો કરવામાં આવે છે અને આ ઉલાળીયા માટે રાજકોટની શાળાઓ રાજયભરમાં રીઢી બની ચુકી છે. આ જ પરંપરાને ફરીથીને રાજકોટની ખાનગી શાળાઓ એનએનકે, મોદી, ધોળકીયા અને પ્રિમીયરે આગળ ધપાવી છે. આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની જાહેર રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. છતાં પણ ઉપરોકત ચારેય શાળાઓ દ્વારા શાળાઓ ખુલી રાખી અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ શાળાઓમાં પ્રથમ સત્રાંત પુર્ણ થતા દિવાળીની રજાઓ પણ ચાલી રહી છે ત્યારે વેકેશેન પુર્ણ નહીં થયું હોવા છતાં શાળાઓમાં અભ્યાસ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
દિવાળી વેેકેશન પુર્ણ થવામાં હજુ અઠવાડીયાનો સમય બાકી છે. તા.6 નવેમ્બરથી શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થશે. પરંતુ તગડી અને બેફામ ફી ઉઘરાવતી શાળાઓ પાસે ધિરજની કમી હોવાનું ફલીત થઇ રહ્યુંં છે. જાહેર રજા અને વેકેશન હોવા છતા વાલીઓ પર દબાણ લાવી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવતા હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી છે અને અગાઉ પણ અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ શાળાઓના પેટનું પાણી હલતું નથી અને રજાઓના દિવસોમાં પણ અભ્યાસ કરવવામાં આવી રહ્યું છે.
વાલીઓએ જણાવ્યું હતું કે સરકારના શૈક્ષણીક કેલેન્ડર ઉપરાંત શાળાઓ દ્વારા પોતાનું અગલથીને શૈક્ષણીક કેલેન્ડર બનાવવામાં આવે છે. અને શાળાઓએ બનાવેલા શૈક્ષણીક કેલેન્ડર મુજબ જ અભ્યાસ ક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. શાળાઓ દ્વારા સરકારના કેલેન્ડરને ગૌણ ગણવામાં આવી રહ્યું છે. તગડી ફી લેવા છતા પણ શાળાઓ સમયસર અભ્યાસ ક્રમ પુર્ણ નહીં કરતી હોવાના કારણે જાહેર રજા અને વેકેશનમાં શૈક્ષણીક કાર્ય શરૂ રાખવાની નૌબત આવે છે અને તેનું ભારણ વિદ્યાર્થીઓ અને વાલી ઉપર આવી રહ્યું છે.
વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે એસએનકે સ્કુલમાં નવરાત્રી દરમિયાન ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે શાળા દ્વારા વિદ્યાર્થીઓને પાંચ દિવસની રજા આપવામાં આવતી હોય છે. જેના કારણે પણ વેકેશન ખુલવાના એક અઠવાડીયા અગાઉ જ શાળા શરૂ કરી દેવામાં આવે છે.
હું શું કરૂં? વાલીઓ શાળા શરૂ રાખવા આગ્રહ કરે છે: ડીઇઓ
વેકેશન અને જાહેર રજામાં પણ શાળાઓ શરૂ રાખવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષીત પટેલે પોતાનો અને ખાનગી શાળાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ જ શાળા શરૂ રાખવા માટે આગ્રહ કરતા હોવાનું શાળા સંચાલકો જણાવી રહ્યા છે. અમને મળેલી ફરીયાદ બાદ શાળાઓ અમે બંધ કરાવી દીધી છે. પરંતુ વાલીઓ આગ્રહ કરતા હોવાથી હું શું કરી શકું? તેવું રટણ કર્યું હતું.
