For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હીરા ઉદ્યોગમાં મંદી, અઠવાડિયામાં ભાવ 10 ટકા તૂટ્યા

05:52 PM Dec 01, 2025 IST | Bhumika
હીરા ઉદ્યોગમાં મંદી  અઠવાડિયામાં ભાવ 10 ટકા તૂટ્યા

હજારો રત્ન કલાકારોની રોજીરોટી ઉપર ખતરો, લેબી-ગ્રોન ડાયમંડની માંગ વધતા નેચરલ હીરા બજારને ફટકો

Advertisement

વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની ઘેરી અસર વર્તાઈ રહી છે. વૈશ્વિક માંગમાં અચાનક ઘટાડો થવાને કારણે, ખાસ કરીને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં આશરે 10 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડાની સીધી અને ગંભીર અસર નાની સાઇઝના હીરા પર કામ કરતા લાખો કારીગરોની કામગીરી અને તેમના રોજગાર પર પડવાની શક્યતા છે.
હીરા ઉદ્યોગમાં મંદીનું એક મુખ્ય કારણ લેબ-ગ્રોન ડાયમંડ (LGD)નો વધતો દબદબો છે. LGD, નેચરલ હીરા કરતાં 70%થી 80% જેટલા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો મોટા પ્રમાણમાં લેબગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે નેચરલ ડાયમંડની માગ ઘટી છે અને અમેરિકા તેમજ યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં ચાલી રહેલી મંદીના કારણે સ્ટોકમાં પણ વધારો થયો છે.

ડી-બિયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસરૂૂપે અગાઉ રફ હીરાના ભાવમાં 10%થી 15% સુધીનો ઘટાડો કર્યો હતો, પરંતુ આ ઘટાડા છતાં તૈયાર હીરાના ઓછા ભાવ મળવાથી ઊંચા ભાવે રફની ખરીદી કરનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે. પરિણામે, વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે. બીજી તરફ, સુરતની અનેક મોટી ફેક્ટરીઓ હવે નેચરલની સાથે-સાથે લેબ-ગ્રોન ડાયમંડ પર પણ કામ કરવા તરફ વળી છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકએ આ પરિસ્થિતિ પર ગહન ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે, તેની સામે વેપારીઓ તૈયાર પતલી સાઇઝના રિયલ ડાયમંડની અંદર ભાવ તોડીને માંગે છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. રત્નકલાકારોને એની સીધી અસર તેમની મજૂરી પર થવાની શક્યતા છે. ભાવેશ ટાંકનું માનવું છે કે, જો રિયલ ડાયમંડમાં ગ્રોથ નહીં દેખાય તો ‘હીરા હમેશા કે લિયે’નું સ્લોગન ધરાવતો રિયલ ડાયમંડ આવનારા સમયમાં એક સપનું બનીને રહી જશે.

Advertisement

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ અલગ-અલગ કરવી જોઈએ અને બંને માટે એક સારી પોલિસી બનાવવી જોઈએ. સુરતનું નામ રિયલ ડાયમંડથી જ ‘ડાયમંડ સિટી’ તરીકે ઉપર આવ્યું છે, તેથી જમીનથી જોડાયેલા લાખો રત્નકલાકારોના હિતમાં રિયલ ડાયમંડને બચાવવો એ આપણી સૌથી મોટી જવાબદારી છે. કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે, જેના કારણે પણ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. હાલની સ્થિતિ જોતાં, સરકાર અને ઉદ્યોગકારો બંને તરફથી તાત્કાલિક અને નક્કર પગલાં લેવાય તે જરૂૂરી છે, જેથી લાખો કારીગરોની રોજીરોટી અને ડાયમંડ સિટી સુરતની પ્રતિષ્ઠા બંનેને બચાવી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement