નિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધો
યુવરાજનગરની ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક: કામમાં વ્યસ્ત માતા ઘોડિયામાં લોહીલુહાણ પુત્રને જોતા બેભાન થઇ ગઇ
શહેરની ભાગોળે આજી ડેમ પાસેના યુવરાજનગરમાં એક કરુંણ ઘટના બની ગઈ છે.આ ઘટનામાં ઘોડિયામાં સૂતેલા 35 દિવસના બાળકને બિલાડીએ ગળા પર બચકાં ભરી લીધાં હતાં.લોહીલુહાણ થઇ ગયેલા બાળકનું થોડી જ મિનિટોમાં મૃત્યુ થયું હતું. ઘટનાથી એ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.આ ઘટનામાં આજીડેમ પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
વધુ વિગતો મુજબ,યુવરાજનગરમાં રહેતા એક મહિનાના જયપાલ ઘુઘાભાઇ જાદવને રવિવારે બપોરે ગળે ઇજા થયેલી હાલતમાં બેભાન સ્થિતિમાં બાળકોની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે બાળકને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાળકની માતાએ ઘટના અંગે વાત કરી તો ડોક્ટર પણ ચોંકી ગયા હતા. બનાવ અંગે જાણ કરાતાં આજી ડેમ પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી ગઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ઘુઘાભાઇના પત્ની હેતલબેને એક મહિના પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. પ્રથમ સંતાનમાં જ પુત્રની પ્રાપ્તિ થતાં જાદવ પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. રવિવારે ઘુઘાભાઇ ચોટીલાના તરકિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરે ઘુઘાભાઇના માતા હેમીબેન આજી ડેમ નજીક નદીએ કપડાં ધોવા ગયા હતા.
ઘરમાં હેતલબેન અને તેનો પુત્ર જયપાલ બે વ્યક્તિ હતા.જયપાલ ઘોડિયામાં સૂતો હતો. માતા હેતલબેન ઘરમાં ઘોડિયાથી થોડે દૂર થયા તે વખતે જ અચાનક બિલાડી ધસી આવી હતી અને ઘોડિયામાં સૂતેલા માસૂમ જયપાલના ગળા પર ત્રાટકી હતી. ફૂલ જેવા જયપાલના ગળે બિલાડીએ બચકાં ભરી લેતાં બાળક લોહીલુહાણ થઇ ગયો હતો અને તે વખતે જ બેભાન થઇ ગયો હતો. થોડીવાર બાદ હેતલબેન ઘોડિયા પાસે પુત્ર જયરાજને જોવા આવ્યા તો તે સ્તબ્ધ થઇ ગયા હતા.ત્યાં જોયું તો પુત્ર જયરાજ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો.તેઓ પણ બેભાન જેવા થઈ ગયા હતા.એકના એક પુત્રના આકસ્મિક મૃત્યુથી જાદવ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પુત્રને લોહિયાળ સ્થિતિમાં જોઇ હતપ્રભ થઇ ગયા હતા અને શું કરવું તેનું પણ ભાન રહ્યું નહોતું. હેતલબેન ઘરના ઉંબરે ઊભા ઊભા રડી રહ્યા હતા તે વખતે જ તેમના સાસુ હેમીબેન કપડાં ધોઇને આવ્યા હતા અને તેમણે માસૂમ જયપાલને જોતા જ દેકારો મચાવી દેતાં લોકો એકઠા થઇ ગયા હતા અને જયપાલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જોકે ત્યાં તબીબોએ બાળકને મૃતજાહેર કર્યો હતો.આ ઘટનામાં આજીડેમ પોલોસે હાલ તપાસ જારી રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.