ત્વચા દાન: મૃત્યુ બાદ પણ સેવાનો રૂડો અવસર
રોટરી ક્લબ ઓફ રાજકોટના સહયોગથી રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક શરૂ કરવાનો શ્રેય ડો. હિતાબેન મહેતાને જાય છે
‘એક વખત તમે હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે દાઝેલા માણસો કેવી પીડા ભોગવે છે. કોઈ અન્યની ત્વચા મેળવવાની રાહમાં જીવ ગુમાવે છે તો કોઈ અસહ્ય વેદના વચ્ચે જિંદગી માટે ઝઝૂમતા હોય છે. જો આવા દર્દીઓને મૃત્યુ પામેલ વ્યક્તિની ત્વચા દાનમાં મળે તો ખૂબ શાતા ઉપજે છે,પીડામાં રાહત મળે છે અને ક્યારેક નવું જીવન પણ પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામ્યા પછી આમ પણ શરીર નષ્ટ થાય છે, તો ત્વચા અને શરીરના અન્ય અંગોનું દાન શા માટે ન કરવું?.’ આ શબ્દો છે ડો. હિતા મહેતાના કે જેમણે રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક શરૂૂ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.તેઓ લેખિકા છે, પ્રિ નર્સરી સ્કૂલ ચલાવે છે તેમજ હાલ લોકોમાં ત્વચા દાન માટેની જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ છે.અનેક ક્ષેત્રમાં પ્રવૃત્ત હોવા છતાં આ કામગીરી માટે તેઓ વિશેષ રસ ધરાવે છે.
તેઓનો જન્મ આફ્રિકાના સોમાલિયામાં થયો અને અભ્યાસ રાજકોટ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ અને આઈપી મિશન સ્કૂલમાં અને કોલેજનો અભ્યાસ કણસાગરા મહિલા કોલેજમાં કર્યો.
બી.કોમ.ના અભ્યાસ બાદ લગ્ન થયા અને એમ.કોમ.નો અભ્યાસ લગ્ન પછી પૂર્ણ કર્યો. ઘરમાં જ 5 બાળકોથી પ્રિ સ્કૂલ શરૂૂ કરી. દીકરીનો જન્મ થયો ત્યારે કામ,પરિવારની જવાબદારી,લેખન તેમજ વ્યવહારિક જવાબદારી સંભાળવી મુશ્કેલ બની છતાં બધી જ જવાબદારી હિતાબહેને બખૂબી નિભાવી. તેઓ માને છે કે તમે કોઈપણ કામ કરો તેની અસર તમારા પરિવાર પર ન થવી જોઈએ. લેખનની વાત કરતા તેઓ જણાવે છે કે, ‘સાતમા ધોરણમાં હતી ત્યારથી જ કવિતા, ગઝલ વગેરે લખતી.પ્રથમ વખત કવિતા બાલ સામયિક ફૂલવાડીમાં અને ત્યાર બાદ મહિલા સામયિક સખીમાં ગઝલ છપાઈ ત્યારે થયું કે લખાણમાં કંઈક તો એવું તત્ત્વ છે જે લોકોને ગમે છે. 2007થી ગદ્ય રૂૂપમાં લખવાનું ચાલુ કર્યું. અભિયાનના દીપોત્સવી અંકમાં વાર્તા પબ્લિશ થઈ ત્યાર પછી પાછું ફરીને જોયું નથી.’ લગભગ દરેક સામયિક, વર્તમાનપત્રમાં તેમની વાર્તાઓ છપાઈ છે. 70 જેટલી વાર્તા લખી છે,બે પુસ્તકો છપાયા છે તેમજ 32 વર્ષથી નાના બાળકોની પ્રિ સ્કૂલ ચલાવે છે અને આ બધા સાથે તેમની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ જ હોય છે.છેલ્લા દસ વર્ષથી તેઓ ઓર્ગન ડોનેશન સાથે સંકળાયેલા છે. આ કામગીરી દરમિયાન જ ખ્યાલ આવ્યો કે જ્યારે લોકો દાઝી જાય છે ત્યારે ત્વચાની જરૂૂર પડે છે અને સ્કીન ડોનેશન માટે લોકો જાગૃત નથી તેથી વધુમાં વધુ ત્વચા દાન માટે કામ થાય તે માટે બીડું ઉઠાવ્યું.
રોટરી ક્લબ ઓફ રાજકોટમાં જ્યારે તેઓ પ્રેસિડેન્ટ હતા ત્યારે રાજકોટમાં સ્કિન બેન્ક શરૂ થાય અને લોકો સ્કિન ડોનેટ કરવા માટે વધુ આગળ આવે તે માટે નિશ્ર્ચય કર્યો. સિવિલ હોસ્પિટલમાં બર્ન કેસીસ વધારે આવતા હોવાથી ત્યાં જ આ ગોઠવણ કરવાનું નક્કી કર્યું પરંતુ આ માટેની પ્રક્રિયા સરળ નહોતી. સરકાર, રોટરી ક્લબ,સામાન્ય લોકો બધાને સાથે લઈને ચાલવાનું હતું. બધા મોરચે તેઓએ લડત આપી સમજણ સાથે બધાને કન્વિન્સ કર્યા અને સ્કિન બેંક માટે ગ્રાન્ટ મળી, 30 થી 35 લાખની મશીનરી વસાવી,ગુજરાતની પ્રથમ સ્કિન બેંક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂૂ થઈ પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. કોરોના આવ્યો અને આખી હોસ્પિટલ કોરોના વોર્ડમાં પરિવર્તિત કરવામાં આવી.બધું જ કામ ઠપ્પ થઈ ગયું,બે વર્ષ બાદ ફરી એકડે એકથી શરૂૂ કરવું પડ્યું આમ છતાં અવરોધો સામે ડગ્યા નહીં.આ સ્કિન બેંકમાં છેલ્લા બે વર્ષમાં 70 જેટલા વ્યક્તિઓએ ત્વચાનું દાન કર્યુ છે. જેના દ્વારા પોણા ત્રણસો લોકોને તેનો લાભ મળ્યો છે. સ્કિન ડોનેટ કરવા માટે લોકો જાગૃત થાય તે માટે તેઓ સેમિનાર અને વર્કશોપ લે છે.આખો દિવસ પ્રવૃત્ત રહેતા હિતાબેન પોતાના માટે પણ સમય કાઢી લે છે. તેઓ ભરતનાટ્યમમાં વિશારદ છે અને સંગીતનો પણ શોખ છે તેથી રાતના સમયે નાની નાની બેઠકો યોજી કરાઓકે દ્વારા ગાવાનો શોખ પૂરો કરે છે.તેઓ માને છે કે દુનિયામાંથી જઈશું ત્યારે કંઈ સાથે આવવાનું નથી ફક્ત કર્મો જ આવશે. હિતાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ત્વચા દાન શા માટે?
હિતાબેને જણાવ્યું કે જ્યારે વ્યક્તિ દાઝી ગઈ હોય અને ઘા ખુલ્લો હોય ત્યારે ઇન્ફેક્શન લાગી શકે છે. આ ઇન્ફેક્શન ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. દાનમાં આપેલી ત્વચા દ્વારા વ્યક્તિને ઇન્ફેક્શન ન થાય, પીડા આપતા ઘા પર રાહત થાય અને નવું જીવન મળે છે.સામાન્ય રીતે દાનમાં મળેલ ત્વચા પાંચ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ આપણી કમનસીબી છે કે સ્કિન બેન્કમાં ત્વચા આવે કે તરત તેનો ઉપયોગ થઈ જાય છે.
ત્વચા દાન કઈ રીતે થાય?
ત્વચા દાન બાબત લોકોમાં ઓછી જાણકારી છે. આ બાબત હિતાબેને જણાવ્યું કે , ‘લોકોની માન્યતા છે કે ત્વચા દાન કરવાથી ચામડી વિકૃત થઈ જાય પણ ખરેખર એવું નથી. ત્વચા દાન એ ચક્ષુ દાન જેવું જ સરળ છે.મૃત્યુ પામ્યાના છ કલાક દરમિયાન ત્વચા કાઢી શકાય છે.મૃત વ્યક્તિના પીઠના ભાગમાંથી ચોરસ ટુકડો કાઢવામાં આવે છે.મનુષ્યની ત્વચાના સાત પડ હોય છે તેથી જ્યારે આ ત્વચા કાઢવામાં આવે છે ત્યારે જરા પણ ખ્યાલ આવતો નથી જરાક છોલાયું હોય તેવી ચામડી લાલ થાય છે અને તરત જ આ સ્કિનને સ્કિન બેન્કમાં મોકલી દેવામાં આવે છે.’
ત્વચા દાન કોણ કરી શકે?
હિતાબેનના જણાવ્યા મુજબ સ્કિનમાં ઇન્ફેક્શન ન હોય અને એચઆઈવી જેવો રોગ ન હોય તો બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીના દરેક ત્વચા દાન કરી શકે છે.
દાઝેલા વ્યક્તિ માટે દાન આપેલ ત્વચા છે અમૂલ્ય
સામાન્ય દાઝવાના કેસમાં પેશન્ટના શરીરમાંથી જ ચામડી લેવામાં આવે છે પરંતુ જ્યારે 70 થી 80 ટકા દાઝ્યા હોય ત્યારે અન્યની ત્વચા મળે તે એકમાત્ર વિકલ્પ હોય છે. જે વ્યક્તિ દાઝી ગઈ હોય તે જગ્યા પર આ ત્વચા લગાવવામાં આવે છે,જેમ જેમ અંદરનો ઘા રૂૂઝાતો જાય અને નવી ત્વચા આવતી જાય તેમ ઉપર લાગેલી ત્વચા નીકળતી જાય છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે.મૃત્યુ પછી પણ કોઈને ઉપયોગી બની શકીએ એથી રૂૂડું શું?
ત્વચા દાન કરવા શું કરવું?
ત્વચા દાન માટે માહિતી આપતા હિતાબેને જણાવ્યું કે ત્વચા દાન કરવા માટે સ્કિન બેંકનો સંપર્ક કરી શકો છો, જયાં જાણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ તેઓ ત્વચા દાન સ્વીકારવા આવી જાય છે. જન્મદિવસ ,લગ્નદિવસ જેવા ખાસ પ્રસંગે ત્વચા દાનનો સંકલ્પ લઈ શકાય.સંકલ્પ બાદ એક કાર્ડ આપવામાં આવે છે જેની જાણ સગા-સંબંધીઓને કરવી જેથી મૃત્યુ પામ્યા બાદ ત્વચા દાનની કામગીરી પૂર્ણ કરી શકાય.
Written By: Bhavna Doshi