શાળાઓમાં નોરતાની પૂર્ણાહુતિ સાથે જ છ માસિક પરીક્ષાનો કાલથી પ્રારંભ
રાજકોટ સહિત રાજ્યમાં હાલ નવરાત્રીનો માહોલ છવાયો છે, પરંતુ નવરાત્રી બાદ એટલે કે દશેરાના બીજે જ દિવસે 3 ઓક્ટોબરથી ધો.1થી 12ના રાજકોટના આશરે 5 લાખ વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષા શરુ થશે. ગુજરાત રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્ત્વનો છે. 3 ઓક્ટોબરથી ધો.1થી 12ના 5 લાખ વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષા શરૂૂ થશે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1થી 8 અને 9થી 12ની છ માસિક પરીક્ષાઓનો પ્રારંભ 3 ઓક્ટોબર, શુક્રવારથી થવા જઈ રહ્યો છે. આ પરીક્ષાઓ એકસાથે રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શાળાઓ દ્વારા આ પરીક્ષા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, કારણ કે, આ પરીક્ષાનું પરિણામ તેમના શૈક્ષણિક પ્રદર્શન માટે અતિ મહત્ત્વનું સાબિત થશે.
આ છ માસિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તરત જ દિવાળીનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂૂ થશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારોની ઉજવણી માટે પૂરતો સમય આપશે. આમ, ઓક્ટોબર મહિનાનું પહેલું પખવાડિયું પરીક્ષાની તૈયારીઓ અને તેના આયોજનમાં વ્યસ્ત રહેશે, જ્યારે બીજું પખવાડિયું દિવાળીની રજાઓ અને તહેવારોની ઉજવણી માટે સમર્પિત રહેશે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે આ સમયગાળો વ્યસ્ત અને પછી આનંદથી ભરપૂર રહેશે. શિક્ષણ બોર્ડના વર્ષ 2025-26 માટેના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્ર 15 ઓક્ટોબરે પૂર્ણ થાય છે અને 16 ઓક્ટોબરથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડી જશે. આ દિવાળી વેકેશન 05 નવેમ્બર સુધીનું રહેશે અને ત્યારબાદ 06 નવેમ્બરથી શાળાઓમાં ફરી બીજા સત્રનો પ્રારંભ થશે. દ્વિતીય સત્ર 06 નવેમ્બરથી 03 મે-2026 સુધીનું 144 દિવસનું રહેશે.