મોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોત
ચોટીલાના ગારીડા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ
મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક પરિવારનો છ માસનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ દૂધ માથે પડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. માસુમ બાળકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં લખધીરપુર રોડ પર આવેલ કાલી સિરામીકમાં કામ કરતાં પરિવારના અંકીત મહેશભાઈ રાઠવા નામનો છ માસનો માસુમ રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયો હતો.
માસુમ બાળકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.બીજા બનાવમાં ચોટીલાના ગારીડા ગામે રહેતી મનીરાબેન વનરાજભાઈ રંગપરા (ઉ.30) નામની પરિણીતાએ કોઈ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.