આયુર્વેદ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં સર્જાતી મુશ્કેલીથી ડિપોઝિટ ગુમાવવી પડે તેવી સ્થિતિ
મેડિકલમા પ્રવેશ પ્રક્રિયાનો હાલમાં બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજ રીતે આયુર્વેદમાં પણ બીજો રાઉન્ડ શરૂૂ કરવામાં આવ્યો છે. નીટ આધારે જ ચાર કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવતો હોવાછતાં પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ કરવાના કારણે અનેક વિદ્યાર્થીઓ-વાલીઓ હેરાન થઇ રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ડિપોઝીટની રકમ પણ જતી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે અલગથી નીટ લેવામાં આવે છે. આમ, હાલમાં નીટ ના આધારે થતી પ્રવેશ કાર્યવાહી અને નીટ વગરના કોર્સ માટે અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે. મહત્વની વાત એ કે, છેલ્લા બે વર્ષથી નીટ આધારિત ચાર કોર્સ પૈકી બે કોર્સ આયુર્વેદ અને હોમિયોપેથી માટે અલગ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આયુષ મંત્રાલય દ્વારા આ બે કોર્સ માટે અલગથી શીડ્યુલ જાહેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં મેડિકલમાં બે રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે ત્યારે આયુર્વેદ-હોમિયોપેથી માટે હવે બીજો રાઉન્ડ શરૂૂ થવાનો છે.
સૂત્રો કહે છે કે, બે અલગ પ્રવેશ પ્રક્રિયાના કારણે વિદ્યાર્થી-વાલીઓએ ભારે હેરાનગતિ ભોગાવવી પડે છે. કારણ કે, નીટ ના આધારે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મર્યાદિત હોવાથી બન્ને જગ્યાએ ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવા પડે છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન માટેની ફી પણ બન્ને જગ્યાએ ભરવી પડે છે. પ્રવેશના નિયમો પ્રમાણે બે રાઉન્ડ પછી પ્રવેશ રદ કરાવે તો મેડિકલમાં ભરેલી ડિપોઝીટ પરત મળતી નથી. બીજીબાજુ મેડિકલમાં મોટાભાગની બેઠકોને બીજા રાઉન્ડ પછી જ કમીશન દ્વારા મંજુરી આપવામાં આવે છે.
જેના કારણે આયુર્વેદમાં પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા પછી પણ વિદ્યાર્થીને મેડિકલ કે ડેન્ટલમાં ખાલી પડેલી કે નવી મંજુર થયેલી બેઠક પર પ્રવેશ મળતો હોય તો જૂનો પ્રવેશ રદ કરાવતાં હોય છે. આમ,સરવાળે વિદ્યાર્થીઓએ ગમે તે એક પ્રવેશની ડિપોઝીટની રકમ પણ જતી કરવી પડે છે. નીટના આધારે જ તમામ કોર્સમાં પ્રવેશ મળતો હતો ત્યારે વિદ્યાર્થીઓને એક જ ડિપોઝીટ અને એક જ ચોઇસના આધારે મેરિટ પ્રમાણે સીધી ફાળવણી કરી દેવામાં આવતી હતી.
આ ઉપરાંત આગળ-પાછળ રાઉન્ડના કારણે પણ વિદ્યાર્થીઓએ ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથીની સાથે સાથે હવે વેટરનીટી કોર્સમાં પણ નીટના આધારે પ્રવેશ કાર્યવાહીના કારણે વિદ્યાર્થીઓએ ત્રીજી વખત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
જેના કારણે વિદ્યાર્થીઓના નાણાં, સમયનો પણ વ્યય થઇ રહ્યો છે. ખરેખર નીટના આધારે થતાં તમામ પ્રવેશ માટે એક જ રજિસ્ટ્રેશન હોવું જોઇએ તેવી માંગણી પણ ઉભી થઇ રહી છે.
