રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક
શહેરમાં વધુ દોઢ ઈંચ વરસ્યો: સિઝનનો વરસાદ 18 ઈંચને પાર
ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ સચરાચર વરસાદ વરસતા રાજકોટ જિલ્લા સિંચાઈ વર્તુળ હેઠળ આવતા સાત ડેમોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થઈ હોવાનું જાણવા મળેલ છે. ગઈકાલે શહેરમાં દોઢ ઈંચથી વધુ પાણી વરસી જતાં સિઝનનો કુલ વરસાદ 18 ઈંચને પાર થઈ ગયો હતો અને હજુ પણ વાદળછાયુ વાતાવરણ હોય વધુ વરસાદની સંભાવના જોવાઈ રહી છે. જેના લીધે જળાશયોમાં નવા નીરની આવક થશે તેમ સિંચાઈ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોમાં વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે. જે મુજબ ફાડદંગ બેટી ડેમમાં 1.31 ફૂટ, કરમાળ ડેમમાં 0.98 ફૂટ, આજી-3 ડેમમાં 0.79 ફૂટ, મોજ ડેમમાં 0.43 ફૂટ, લાલપરી ડેમમાં 0.39 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ જેટલો વધારો ઊંડાઈમાં નોંધાયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.