શ્રી ખોડલધામ યુવા પ્રિમીયર લીગનો ધમાકેદાર પ્રારંભ
રાજકીય-સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓની હાજરીમાં ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ કરાયો
પ્રથમ દિવસે ચાર મેચ યોજાઇ, 8-મે સુધી 32 ટીમો વચ્ચે જામશે જંગ: યુવા સમિતિનું ભવ્ય આયોજન
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 એપ્રિલ ને બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ નજીક આવેલા પાળ ગામ પાસેના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ એટલે કે KYPLનો પ્રારંભ થયો છે.
30 એપ્રિલના રોજ સાંજે 6 કલાકે KYPLનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મનિષભાઈ રાડીયા, અશ્વિનભાઈ મોલીયા, રૂૂપેશભાઈ મહેતા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના તમામ ટ્રસ્ટીઓ, ક્ધવીનરઓ સહિતના રાજકીય-સામાજિક આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનોએ રિબિન કાપીને KYPLનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ નરેશભાઈ પટેલ સહિતના મહેમાનોએ બેટિંગ પર હાથ અજમાવ્યો હતો. ઉપસ્થિત સર્વે મહેમાનોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થયેલી તમામ ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સુંદર આયોજનને વધાવ્યું હતું. પ્રથમ દિવસે કુલ 4 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 8 મે સુધી ચાલનારી શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)માં ગુજરાતભરમાંથી કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે.