માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ હડકાયા શ્વાને ગામમાં જાણે ‘બાન’ લીધું હોય તેમ એકસાથે 10 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આ શ્વાને ગામના 20થી વધુ પશુઓને પણ બચકાં ભરીને ઈજાગ્રસ્ત કર્યા છે, જેના કારણે ગામલોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હડકાયા શ્વાને રાહદારીઓ અને પશુઓને નિશાન બનાવતા ગામમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી.
જે લોકોને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા, તેમને તાત્કાલિક સારવાર માટે માંગરોળ અને વધુ ગંભીર ઈજા પામેલા લોકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ભાટ ગામના રહીશ જયંતીભાઈએ આ ગંભીર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નસ્ત્રભાટ ગામમાં એક હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું છે. આ શ્વાને 8 થી 10 લોકો અને રખડતા ઢોરને બચકાં ભર્યા છે. જે લોકોને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે લાવવામાં આવ્યા છે અને અન્ય લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.
આ મામલે માંગરોળ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખાણીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભાત ગામમાં હડકાયા શ્વાને બચકા ભર્યા હોય તેવા ચારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે તેમજ અન્ય જે ઇજાગ્રસ્તો હતા તે જુનાગઢ સારવાર માટે ગયેલા હોવાનું જાણવા મળ્યું છે હાલ માંગરોળ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ હડકાયા પશુ કરડે તે માટેના ઇજાગ્રસ્તોને જે ઇન્જેક્શન આપવાના હોય તેવા ઇજાગ્રસ્તો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ગયા છે.