જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા
જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને વેપારીઓ સહિત 10થી વધુ લોકોને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ શ્વાનનો ભોગ બનેલા સ્થાનિક વેપારી નિલેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે,હું બપોરે મારી કરિયાણાની દુકાન માટે ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે બોખલા દરવાજા પાસેથી પસાર થતા સમયે અચાનક એક શ્વાન આવીને મને વળગ્યું અને બચકું ભરી લીધું. તે કોઈ પણ રીતે છોડતું ન હતું. આજુબાજુના વેપારીઓની મદદથી મને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો.
અહીં આવીને જાણ થઈ કે આ શ્વાને મારા સિવાય પણ બીજા અસંખ્ય લોકોને નિશાન બનાવ્યા છે.નિલેશભાઈએ તંત્રને અપીલ કરતાં કહ્યું કે,સરકાર અને નગરપાલિકાને મારો અનુરોધ છે કે વહેલી તકે આ શ્વાનને પકડવામાં આવે, નહિ તો આ શ્વાન હજુ વધુ લોકોને હેરાન કરશે. ઘટનાની જાણ થતાં જ શ્વાન કરડવાથી પીડિત લોકો સરકારી હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. હોસ્પિટલના રજીસ્ટર મુજબ,સાંજ સુધીમાં અનેક લોકોએ સારવાર લીધી હતી.આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે શહેરમાં રખડતા શ્વાનોને પકડવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.