મેડિકલના પ્રવેશમાં વિલંબ થતા સરકારી હોસ્પિટલોમાં રેસિડન્ટ તબીબોની અછત
તાકિદે પ્રક્રિયા કરવા ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ દ્વારા કેન્દ્ર સુધી રજૂઆત
દેશની પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે થઇ રહેલા ભારે વિલંબના પગલે હવે ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયા (FORDA) એ કેન્દ્ર સરકારને તાકીદે પ્રવેશ પ્રક્રિયા કરવા રજૂઆત કરી છે. મોડા પ્રવેશના કારણે હાલમાં સરકારી હોસ્પિટલમાં માત્ર બે રેસિડન્ટ ડોક્ટરની બેચથી કામગીરી કરવામાં આવી રહી છે. હજારો લાયક ડોક્ટરો પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ સારી જગ્યાએ જોડાવવાની તકની રાહ જોઇ રહ્યા છે. પ્રવેશ પ્રક્રિયામાં વિલંબના કારણે દેશના મેડિકલ એજ્યુકેશન અને હેલ્થકેર પર વિપરિત અસર પડી રહી હોવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી પી.જી. નીટનું પરિણામ ગત 19મી ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યા બાદ હાલમાં પ્રવેશ માટે માત્ર ગુજરાતમાં રજિસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે કોઇ કાર્યવાહી થઇ નથી. હજુ પણ નેશનલ મેડિકલ કમીશન દ્વારા હજુ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની બેઠકની મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠક માટે હજુસુધી પ્રક્રિયા શરૂૂ થઇ નથી. આગામી દિવસોમાં પ્રક્રિયા શરૂૂ થાય ત્યારે ગુજરાતમાં પણ ફરીવાર રજિસ્ટ્રેશન શરૂૂ કરવું પડે તેવી શકયતાં છે. આ સ્થિતિમાં હાલમાં હોસ્પિટલમાં નવા રેસિડન્ટ ડોક્ટરની બેચ ન આવવાના કારણે જૂના રેસિડન્ટ ડોક્ટરને ચાલુ રાખવામાં પડે છે. એટલે કે હાલમાં હોસ્પિટલમાં કુલ ત્રણના બદલે બે રેસિડન્ટ ડોક્ટરની બેચ પર તમામ કામગીરી કરવાની જવાબદારી છે.
આ સ્થિતિમાં અગાઉ જૂનિયર ડોક્ટરો દ્વારા પ્રવેશ પ્રક્રિયા વહેલીતકે શરૂૂ કરવા માટે રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે તાજેતરમાં ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા- ફોરડા દ્વારા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે, નેશનલ મેડિકલ કમીશન અને મેડિકલ કાઉન્સિલ દ્વારા તાકીદે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં આવે તે જરૂૂરી છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે તાકીદે પહેલા રાઉન્ડ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 28મી ઓક્ટોબર સુધીમાં પારદર્શક પ્રવેશ પ્રક્રિયાને લગતું શિડ્યૂલ જાહેર કરવામાં આવે અને હવે કોઇપણ પ્રકારના વિલંબ વગર શૈક્ષણિક કાર્ય શરૂૂ કરવામાં આવે તે જરૂૂરી છે. જો આમ, નહીં થાય તો સમગ્ર દેશની સરકારી મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ભારે મુશ્કેલી ઊભી થશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
