શોર્ટ સ્કર્ટ ફરજિયાત, લેગિન્સ પર પ્રતિબંધ અમદાવાદની સત્યમેવ સ્કૂલે વિવાદ છેડ્યો
નિયમ ભંગ કરનારને દંડ, વાલિઓના આક્ષેપો સામે શાળા સંચાલકોનું મૌન
અમદાવાદના શિક્ષણ જગતમાં સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ એક અસામાન્ય અને ગંભીર વિવાદને કારણે ચર્ચામાં આવી છે. સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ જ પહેરવા અને સ્કર્ટની નીચે લેગિન્સ ન પહેરવા અંગે સૂચના આપવામાં આવી હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલ દ્વારા ડ્રેસ કોડના નામે વિદ્યાર્થીનીઓના પોશાક અંગે અત્યંત કડક અને અયોગ્ય નિયમો લાદવામાં આવ્યા છે.
આ આદેશ માત્ર ડ્રેસ કોડ પૂરતો સીમિત નથી, પરંતુ વિદ્યાર્થિનીઓને ગરમી કે અન્ય કારણોસર લેગિન્સ પહેરવાની છૂટ પણ નથી, જેના કારણે વાલીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
વાલીઓએ જે સૌથી ગંભીર આક્ષેપ કર્યો છે તે એ છે કે જો કોઈ વિદ્યાર્થિની સ્કૂલના આ નિયમનો ભંગ કરીને સ્કર્ટ નીચે લેગિન્સ પહેરે તો તેને સજા પણ કરવામાં આવે છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ તંત્ર વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા મજબૂર કરે છે અને લેગિન્સ જેવા પૂરક કપડાં પર પ્રતિબંધ મૂકીને એક અસુરક્ષિત વાતાવરણ ઊભું કરી રહ્યું છે. નાની બાળકીઓની સગવડ અને સુરક્ષાને અવગણીને આવા નિયમો લાદવા સામે વાલીઓએ સામૂહિક વિરોધ નોંધાવ્યો છે અને સ્કૂલના આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
સમગ્ર મામલે વિવાદ વકરતા જ્યારે મીડિયા અને વાલીઓ દ્વારા સ્કૂલ સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે સ્કૂલના સત્તાધીશોએ આ આક્ષેપો મુદ્દે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. વાલીઓએ હવે આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી છે, જેથી સ્કૂલના આવા વિવાદાસ્પદ અને ભેદભાવપૂર્ણ નિર્ણયની યોગ્ય તપાસ થઈ શકે અને વિદ્યાર્થિનીઓના હિતનું રક્ષણ થાય.