ખરીદીની રીત બદલાઇ રહી છે: શહેરોમાં બ્રાન્ડનો મોહ ઘટયો, ગ્રામીણમાં વધ્યો
શહેરી વિસ્તારમાં ખર્ચના બે છેડા ભેગા કરવાનું દબાણ, બ્રાન્ડના બદલે કિંમત ઉપર વધુ ફોકસ કરતો મધ્યમવર્ગ
"ગ્રામીણ ક્ષેત્રમાં બ્રાન્ડનું આકર્ષણ અને ખર્ચ બન્ને વધી રહ્યા છે: સરવેમાં બહાર આવેલ તારણો”
દેશમાં હવે લાઇફ સ્ટાઇલમાં શહેર તથા ગ્રામીણ ક્ષેત્રમાં એક મોટુ પરિવર્તન આવી રહ્યું છે. શહેરી વિસ્તારના લોકોમાં બ્રાન્ડનો મોહ ઘટી રહ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારના લોકો હવે બ્રાન્ડ તરફ વળ્યા છે. મોંઘવારીની અસર શહેરી જીવન ઉપર દેખાઇ રહી હોવાથી શહેરી લોકો હવે બ્રાન્ડના બદલે કિંમત ઉપર વધુ ફોકસ કરવા લાગ્યા છે. તેનાથી ઉલ્ટુ ગ્રામીણ લોકો બ્રાન્ડ તરફ આકર્ષાઇ રહ્યા છે.
શહેરી વિસ્તારના મધ્યમ વર્ગ ઉપર ઓછી આવકમાં ગ્રામ્ય વિસ્તાર કરતા વધુ ખર્ચ સેટલ કરવાનું દબાણ સતત રહેતું હોવાથી હવે શહેરી વિસ્તારના લોકો બ્રાન્ડ કરતા મુલ્ય ઉપર વધુ ધ્યાન આપતા હોવાનું સરવેમાં જણાયુ છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં સર્વાઇવ કરવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોવાથી બ્રાન્ડ પાછળ લોકો ખર્ચ કરી રહ્યાનું જણાયું છે.
ભારતમાં ખાસ કરીને શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો પૈસા ખર્ચ કરવાની રીતો બદલી રહ્યા છે.
શહેરી અને ગ્રામીણ વપરાશ માટે વર્ષોથી ચાલ્યો આવતો તફાવત બદલાઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર શહેરી ઉપભોક્તાઓ હવે બ્રાન્ડ પ્રત્યે વધુ ધ્યાન આપતા નથી અને પોતાનું સમગ્ર ધ્યાન વેલ્યુ પર કેન્દ્રિત કર્યુ છે. ત્યારે ગ્રામીણ ઉપભોક્તાઓ ઝડપથી બ્રાન્ડઝને અપનાવી રહ્યા છે અને બ્રાન્ડ પ્રત્યે વધુ સતર્ક બન્યા છે.
શહેરોમાં વપરાશનું પ્રમાણ ધીમું થઈ રહ્યું છે અને લોકો હવે પેકેજિંગ, કિંમત અને સુવિધા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. માનસિકતામાં આ ફેરફાર શહેરી ગ્રાહકોને વધુ સારા મૂલ્યના ઉત્પાદનો પસંદ કરવા માટે દબાણ કરી રહ્યો છે, ભલે તેમને લોકપ્રિય બ્રાન્ડ્સથી દૂર કેમ જવું ન પડે.
બીજી બાજુ, ગ્રામીણ ગ્રાહકો વિપરીત વલણ જોવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 25માં ગ્રામીણ વિસ્તારોમાં લિસ્ટેડ બ્રાન્ડ્સનો વિકાસ ઝડપી બન્યો છે. આ દર્શાવે છે કે ગ્રામીણ ભારત વધુ મહત્વાકાંક્ષી બની રહ્યું છે. તેઓ બ્રાન્ડેડ ઉત્પાદનો પર વધુ ખર્ચ કરવા તૈયાર છે અને તેમનામાં બ્રાન્ડ જાગૃતિ વધી રહી છે.
પ્રીમિયમ ઉત્પાદનોની માંગ હજુ પણ ટકેલી છે, ત્યારે પ્રીમિયમાઇઝેશનનો દર તાજેતરમાં ધીમો પડી ગયો છે. ઉપરાંત, શહેરી ગ્રાહકો મૂલ્ય, ગતિ અને સુવિધા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ પરિવર્તન બિન-આવશ્યક વસ્તુઓ પર ખર્ચમાં ઘટાડો તરફ દોરી રહ્યું છે.
અહેવાલમાં બીજો રસપ્રદ મુદ્દો એ છે કે શહેરી અને ગ્રામીણ વપરાશ વચ્ચેની રેખા ઝાંખી થઈ રહી છે. ગ્રામીણ સમાજના ઉચ્ચ વર્ગ અને શહેરોમાં રહેતા મધ્યમ આવક જૂથની ખરીદીની રીત હવે સમાન બની ગઈ છે. આ દર્શાવે છે કે વધતી આવક સાથે, ભારતનું અર્થતંત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે, અને ખરીદીની રીત પણ એટલી જ બદલાઈ રહી છે.