રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક, બલગેરિયન યુવતીની યુનો સમક્ષ ન્યાય માટે ધા
સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર હાઈપ્રોફાઈલ કેડીલા ફાર્માના પીએમડી રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસમાં નવો વણાંક આવ્યો છે. અને ભોગ બનનાર યુવતિએ અચાનક જ યુનાઈટેડ નેશનમાં ન્યાય માટે ધા નાખતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતા અહેવાલો મુજબ અમદાવાદના બિઝનેસમેન રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપ લગાવનાર યુવતિના વકિલ રાજેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, બલગેરિયન યુવતિ રાજીવ મોદી સામે પોતાનો કેસ નોંધાવા સંયુકત રાષ્ટ્રસંઘ સમક્ષ જીનીવાખાતે પહોંચી છે અને રૂબરૂમાં જ પોતાની ફરિયાદ આપી રહી છે.
પીડિતાના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરી છે. કારણ કે, ગુજરાતના હાલના તપાસ અધિકારીઓ પાસેથી ન્યાય મળવાની અમને શક્યતા ઓછી જણાય છે. તેમણે જણાવ્યું હતું કે, બલગેરિયન યુવતિને આરોપીઓ સામે યુનો સમક્ષ તેનો કેસ રજૂ કરવા માટે જીનીવામાં મોકલવામાં આવી છે. આરોપીઓ ખુબ જ વગદાર અને શક્તિશાળી હોય યુવતિ ઉપર દબાણ લાવી શકે છે અથવા તો તેણી ઉપર હુમલો પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પોલીસતંત્રની ભૂમિકા સામે ભોગ બનનાર યુવતિએ અનેક વખત અસંતોષ વ્યક્ત કર્યો છે. અને પોલીસ તેનો કેસ નબળો પાડવા તથા પાછો ખેંચવા પ્રયાસો કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતાં. લાંબા સમયથી રાજીવ મોદી અને પોલીસ સંતાકુકડી રમી રહ્યા હોય અંતે યુવતિએ આંતરરાષ્ટીય સંસ્થા સમક્ષ ન્યાય માટે ધા નાખતા ગુજરાતના પોલીસ અને ન્યાય તંત્રનો ફજેતો થયો છે.