ચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલ
અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ખેતરોમાં ઉપયોગમાં લેવાતી કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી અચાનક ધડાકો થતાં એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ધારી રોડ પર પંચરની દુકાન ધરાવતા મહેન્દ્ર રાઠોડના પુત્ર આર્યન રાઠોડ નામના બાળકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ કાર્બન વિસ્ફોટક બંદૂકનો ઉપયોગ સામાન્ય રીતે ખેતરોમાં નીલગાય જેવા પશુઓને ભગાડવા માટે થતો હોય છે.
આ બંદૂક એક ફેરિયા દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચલાલાના ધારી રોડ પર આવેલી પંચરની દુકાન નજીક આ બંદૂકમાંથી અચાનક ધડાકો થયો હતો. જેના કારણે ત્યાં હાજર આર્યન રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ધડાકાના કારણે બાળકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળક આર્યનને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ વધુ સઘન સારવારની જરૂૂર જણાતા તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદભાગ્યે બંદૂક ફૂટવાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ CCTV ફૂટેજના આધારે ઘટના કયા સંજોગોમાં બની અને આ બંદૂક ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ આવા વિસ્ફોટક ઉપકરણોના ઉપયોગ અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.