વિજયાદશમી નિમિત્તે શહેર પોલીસ દ્વારા અંબાજી મંદિરે ધ્વજારોહણ સાથે શસ્ત્ર પૂજન
આજે દેશભરમાં દશેરા-વિજયા દશમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન વિધિ થઇ રહી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલ અંબાજી મંદિરે ધજા ચડાવવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન વિધિ કરી હતી.
રાજકોટ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સાથે અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવા સહીતન એસઓજી,ક્રાઈમ બ્રાંચના એસીપી તેમજ પી.આઈ પીએસઆઈ સહિતનો સ્ટાફ શસ્ત્ર પૂજનમાં હાજર રહ્યો હતો.આ શસ્ત્ર પૂજનમાં રાજકોટ શહેર પોલીસે જુદી જુદી કેટેગરીની પિસ્તોલ, રિવોલ્વરથી લઇને સ્નાઇપર સહિતના હથિયારોની મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી હતી. પોલીસ સ્ટાફે શસ્ત્ર પૂજનની સાથે સાથે અશ્વ પૂજન અને વાહન પૂજન પણ કર્યુ હતુ. રાજકોટ ગ્રામ્ય માઉન્ટન પોલીસ (અશ્વ દળ)ના પી.આઈ યુવરાજસિંહ સરવૈયા અને સ્ટાફ તેમજ આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ ક્લબના સભ્યો દ્વારા અશ્વપૂજન અને શસ્ત્રપૂજન કરવમાં આવ્યું હતું.