શાંતિનિકેતન સોસાયટીની વિવાદિત દીવાલ અંતે તોડી પડાઈ
ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એક ગેરકાયદેસર બાંધકામ સીલ કરાયું
ટીઆરપી ગેમઝોન બાદ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગને હવે કળવળી હોય તેમ અલગ અલગ સ્થળે ડિમોલેશનની નોટીસો આપવાનું તેમજ જૂની ફરિયાદોના નિવારણ કરવાનું શરૂ કર્યુ છે. ગઈકાલે બે વોર્ડમાં કાર્યવાહી કર્યા બાદ આજે શાંતિનિકેતન સોસાયટીને અમૃત પાર્ક સાથે જોડતા મુખ્ય માર્ગો ઉપર બળજબરીથી ચણેલ દિવાલનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નં. 8 માં સર્વોદય સોસાયટીમાં એક તૈયાર ગેરકાયદેસર બાંધકામ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીગં શાખા દ્વારા આજે વોર્ડ નં. 8 અને 1 માં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ વોર્ડ નં. 8 માં સર્વોદય સોસાયટી શેરી નં. 2 કાલાવડ રોડ ઉપર ભૂપતસિંહ વાઘેલા નામની વ્યક્તિએ કરેલ ગેરકાયદેસર બાંધકામને સીલ કરવામાં આવ્યું હતું. તેમજ નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. જ્યારે વોર્ડ નં. 1 માં શાંતિનિકેતન સોસાયટીનો મુખ્ય માર્ગ જે અમૃત પાર્ક સોસાયટીને જોડતો હતો તેના મુખ્ય માર્ગ ઉપર થોડા સમય પહેલા અમુક લોકોએ દિવાલ ચણી લેતા મુખ્યમાર્ગ બંધ થતાં રહેવાસીઓએ અન્ય રસ્તા ઉપર ફરીને જવું પડતું હતું.
આ સમસ્યા માટે લત્તાવાસીઓ માટે મ્યુનિસિપલ કમિશનર સહિતનાએ રજૂઆત કરી હતી. અને જો દિવાલ તોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ મુદ્દે ટાઉન પ્લાનીંગ દ્વારા તપાસ હાથ ધરાતા બન્ને સોસાયટીને લાગુ રસ્તો ટીપી રોડ આવતો હોવાથી દિવાલ ગેરકાયદેસર હોવાનું જાણવા મળેલ જેના પગલે આજે દિવાલ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
શાંતિનિકેતન સોસાયટીમાં અમુક શખ્સોએ રસ્તો બંધ કરીને ચણેલી દિવાલ તોડવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ પરંતુ દિવાલ તોડતી વખતે માથાકુટ થવાની સંભાવના હોવાથી ટાઉન પ્લાનીંગ વિભાગે વીજીલન્સ સ્ટાફ અને પોલીસના ભારે બંદોબસ્ત હોવાથી ઘટના સ્થળે પહોંચી વહેલી સવારથી દિવાલ તોડવાનું કામ શરૂ કર્યુ હતું. ત્યારે પણ લોકોના ટોળે ટોળા એકટા થયા હતાં. જેની સામે શાંતિનિકેતન સોસાયટીના રહીશોએ ડિમોલેશન થયા બાદ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. 8 માં ભૂપતસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ સીલ કર્યુ હતું. જ્યારે શાંતિનિકેતન સોસાયટીમાં આવેલ વિવાદાસ્પદ દિવાલનું બાંધકામ દૂર કરવામાં આવ્યુ ંહતું. આ ડિમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એમ.આર. શ્રી વાસ્તવ એસ.જે. સિતાપરા તથા વેસ્ટઝોનના તમામ ટેક્નિકલ સ્ટાફ, જગ્યારોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર વેસ્ટઝોન ટાઉન પ્લાનીંગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
80થી વધુ ગેરકાયદેસર દબાણોનું લિસ્ટ તૈયાર
ટીઆરપી ગેમઝોન બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા હવે ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા છ માસ દરમિયાન ફરિયાદો આવી હોય તેમજ ટીપી વિભાગના ધ્યાને આવેલા હોય અને 260/1ની નોટીસ અપાઈ હોય તેવા બાંધકામોને 260/2ની નોટીસ આપવામાં આવશે. જ્યારે 260/2ની નોટીસ અપાઈ ગઈ હોય અને મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા 80થી વધુ બાંધકામોનો ટુંક સમયમાં ડિમોલેશન હાથ ધરાશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.