લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો
ટ્રાફિકમાં નડતરરૂપ વર્ષો જૂની લોકોની સમસ્યા મનપાએ એકઝાટકે કરી હલ, અન્ય ચાર સ્થળે ગેરકાયદેસર બાંધકામો તોડી પડા્યા
ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી લક્ષ્મીનગર નાલે ત્રાટકયો બપોર સુધીમાં બધું ખેલાનમેદાન
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની સાથોસાથ રોડ રસ્તાની આજુબાજુ ઝૂંપડપટ્ટીઓ ઉભી થઇ છે. તંત્ર દ્વારા અવાર નવાર ઝુંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે. પરંતુ થોડા સમયમાં ફરી વખત દબાણકર્તાઓ ઝુંપડાઓ બાંધી ટ્રાફિકને અડચણરૂપ થતા હોય છે. જેમાં લક્ષ્મીનગર નાલાથી આનંદબંગલા ચોક તરફ જતા રોડ ઉપર રેલવેની જગ્યામાંથી મનપાની હદમાં રોડ ઉપર ઝૂંપડાઓ વર્ષોથી ખડકાઇ ગયા હતા. જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હોય મનપાએ આજે સવારથી ઝૂંપડાઓનો સાફયો કરી દીધો હતો. તેવી જ રીતે વોર્ડ નં.8, 10, અને 11માં શેડ ઝૂંપડા તેમજ અન્ય ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે વોર્ડ નં.8, 10 અને 11માં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરી હતી. જેમાં ખાસ કરીને લક્ષ્મીનગર નાલેથી આનંદબંગલા ચોક સુધી જતા સતત ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ ઉપર રેલવેની જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા ઝુંપડાઓ ધીરે ધીરે રોડ સુધી આવી જતા અવાર નવાર અકસ્માતોના બનાવો વધવા લાગતા તેમજ વારંવાર ટ્રાફિક જામ થતા આ મુદ્દે ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા દબાણો હટાવવાની રજૂઆત કરવામાં આવેલ આથી મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગે અગાઉ રોડ ઉપર નડતરરૂપ ઝુંપડાઓ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છતાં આજ સુધી દબાણો દૂર ન થતા આજે વહેલી સવારે ટાઉનપ્લાનિંગ વિભાગના અધિકારીઓ બુલડોઝર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર ત્રાટક્યા હતા. જયા ઝૂંપડામાં રહેતા લોકો સાથે માથાકૂટ થયેલ છતાં વિજીલન્સ સ્ટાફે મામલો થાળે પાડી ડિમોલીશનની કાર્યવાહી આગળ વધારવામાં મદદ કરી હતી અને ટાઉનપ્લાનિંગ વિભાગે લક્ષ્મીનગર નાલાથી સોચાલય સુધીમાં રોડ ઉપર કરવામાં આવેલા અનેક ઝુંપડાઓ તોડી પાડયા હતા.
મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા લક્ષ્મીનગર નાલાની પાસે આવેલ ઝુંપડાઓનું ડિમોલેશન કર્યા બાદ વોર્ડ નં.11માં સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી નાનામવા પાસે માર્જિનની જગ્યામાં કરવામાં આવેલ દુકાનનુ કોર્મોશીયલ બાંધકામ તોડી પાડવામાં આવેલ તેમજ શયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમઝોનની સામે કોર્મોશીયલ હેતુનો પતરાનો શેડ તથા ત્રણ ઝુંપડા અને પદ્યુમન હાઇટ્સ પાછળ આર.કે.નગર મેળન રોડ ઉપર મનપાના પ્લોટ ઉપર ખડકાયેલ પાંચ ઝુંપડાઓ સહિતના બાંધકામો તોડી પાડી ખાલી પ્લોટ ફરતે ફેન્સીગ સહિતનું કામ કરવાની સૂચના આપવામાં આવી હતી. ટીપી વિભાગે આજે નાના મવા ખાતે પતરાના શેડ, ઝુંપડાઓ તથા કોર્મોશિયલ બાંધકામો અને લક્ષ્મીનગર નાલાની ઝુંપડપટ્ટી સહિતના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી રૂા.94 કરોડની 9923 ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કરાવી હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
હપ્તાના પાપે ઝૂંપડપટ્ટી ખડકાઇ
લક્ષ્મીનગર નાલાની બાજુમાં રેલવેની જગ્યા ઉપરાંત મહાનગરપાલિકાની જગ્યા ઉપર વર્ષોથી ઝૂંપડાઓના દબાણો ખડકાઇ ગયા છે. આ ઝૂંપડાઓમાં અમૂક ગરીબ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના ઝૂંપડાઓમાં લાઇટ કનેકશન પણ મેળવી દેવામાં આવ્યુ છે અને આ ઝૂંપડાઓનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યાો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. આ ઝૂંપડાઓમાં કેળા, કેરી, સંતરા, મોસંબી, ચીકુ સહિતના ફૂટ પકાવવામાં આવી રહ્યા છે અને આ ઝૂંપડાના ગોડાઉનનું ઉચ્ચુ ભાડુ પણ ફૂટના વેપારીઓ પાસેથી વસુલવામાં આવી રહ્યા છે. લોકોને આ ગોરખધંધાની ખબર છે ત્યારે તંત્રના અધિકારીઓ પણ આ બાબતથી અજાણ હોય તેવુ લાગતુ નથી અમૂક લોકોના જણાવ્યા મુજબ ઝૂંપડામાં ગોડાઉન તરીકે ઉપયોગ કરી વેપારીઓ પાસેથી ભાડુ વસુલી તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારીઓને માસીક હપ્તા આપવામાં આવી રહ્યા છે. આથી આજના ડિમોલીશન બાદ ફરી વખત આ સ્થળ ઉપર ઝૂંપડાઓ રૂપી ગોડાઉનોના દબાણો થઇ જાય તો નવાઇ નય.