દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધ્વસ્ત કરાઈ:ભાણવડ પંથકમાં બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના વ્યાપક દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર તેમજ નેસ વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસ સ્ટાફએ વ્યાપક પ્રમાણમાં દરોડાઓ પાડી, અને જુદા જુદા વિસ્તારોમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ કબજે કરી હતી. જેમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસે કરેલી કાર્યવાહીમાં બરડા ડુંગર વિસ્તારમાં આવેલી ધામણીનેસ વિસ્તારના રહીશ જીવણ ગલ્લા રબારી નામના શખ્સ દ્વારા એક મંદિરથી થોડે દૂર પાણીના ઝરણામાં દેશી દારૂની ભઠ્ઠી ગાળવામાં આવતી હોવાથી આ સ્થળે દરોડો પાડીને 1200 લીટર આથો તેમજ દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમ્યાન આરોપી જીવણ ગલ્લા રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો.
આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર યુ.કે. મકવા તેમજ પીએસઆઇ એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી.આ ઉપરાંત એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલી અન્ય અલગ અલગ કાર્યવાહીઓમાં ધામણીનેસના જુદા જુદા ભાગોમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાંથી કુલ 1800 લીટર આથો તેમજ દેશી દારૂને લગતો વિવિધ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં ધામણીનેસના રહીશ ભુદા રાજા રબારી અને પીરા ગલ્લા રબારી નામના શખ્સોને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.એસ.આઈ. એસ.એસ. ચૌહાણ, એલસીબીના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, જે.બી. જાડેજા, ભરતભાઈ જમોડ, ઈરફાનભાઈ ખીરા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.દેશી દારૂ સામે પોલીસ તંત્રની આ કાર્યવાહીથી બુટલેગરોમાં દોડધામ મચી જવા પામી છે.