ઝાડા-ઊલટીના રોગચાળાથી સાત માસની પરપ્રાંતીય બાળકીનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં નાના મવા રોડ ઉપર સિલ્વર હાઇટ્સ પાસે રહેતા શ્રમિક પરિવારની સાત મહિનાની બાળકીનું ઝાડા ઉલટીની બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાના મવા મેઇન રોડ ઉપર આવેલ સિલ્વર હાઇટ્સ પાસે રહેતા મધ્યપ્રદેશના પરિવારની ઉર્મિલાબેન મગનભાઈ મોરી નામની સાત માસની માસુમ બાળકીને ઝાડા ઉલટીની બીમારી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઊર્મિલા મોરીનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટમાં કડિયા કામ અર્થે આવ્યો છે. ઉર્મિલાબેન મોરી બે ભાઈની એકની એક લાડકી બેન હતી. ઉર્મિલાબેન મોરીનું ઝાડા ઉલટીની બીમારી સબબ મોત નિપજતું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.