બગોદરા નજીક સાત કિ.મી.નો ટ્રાફિકજામ, લોકો છ કલાક ફસાયા
રાત્રે 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સંખ્યાબંધ વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા, બાળકો-મહિલાઓ-વૃદ્ધોની દયાજનક સ્થિતિ
સિક્સલેન હાઈવેના ઢંગધડા વગરના કામના કારણે ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી, સૌરાષ્ટ્રભરની પ્રજા પીડિત છતાં ધારાસભ્યો-સાંસદોના ગુનાહિત મૌન
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેના ગોકળગતિએ ચાલતા કામના કારણે છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્રના બે કરોડથી વધુ લોકો ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. આમ છતાં સરકારના પેટનું પાણી હલતુ નથી. જ્યારે ધારાસભ્યો અને સાંસદો મૌન ધારણ કરી મતદારોનો દ્રોહ કરી રહ્યા છે.
અમદાવાદ હાઈવે ઉપર ઢંગધડા વગર ચાલી રહેલા સિક્સલેન હાઈવેના કામના કારણે છાસવારે ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકો સુધી વાહનોમાં લોકો ફસાઈ જાય છે. આવી જ સ્થિતિ ગત રાત્રે બગોદરા અને લીંબડી વચ્ચે સર્જાવા પામી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદ હાઈવે ઉપર ગત રાત્રે બગોદરા ટોલનાકાથી ધનસાળી ગામના પાટિયા સુધી સાતેક કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. અને વાહન ચાલોક સતત છ કલાક સુધી આ ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતાં. જામમાં ફસાયેલા લોકોનું કહેવું છે કે, ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી આ ટ્રાફિક જામ સર્જાયો હતો. અને સવારે 8:30 વાગ્યા સુધી જામ યથાવત રહેતા બસ અને મોટરકારમાં મુસાફરી કરતા બાળકો-મહિલાઓ-વૃદ્ધોની હાલત કફોડી બની જવા પામી હતી. ધનસળી ગામના પાટિયા પાસે સિક્સલેન હાઈવેના કામના કારણે રોડ એકદમ સાંકળો કરી દેવામાં આવ્યો છે. અને માંડ એક વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ છે.
ત્યાં એક ટ્રક વચ્ચે બંધ પડી તતાં આ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સિવાય અનેક સ્થળે ઢંગધડા વગરના ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. અને ડાયવર્ઝનમાં પણ મસમોટા ગાબડા તથા વાહનોની ચેસીસો તોડી નાખે તેવા મસમોટા સ્પીડબ્રેકરો ખડકી દેવામાં આવ્યા હોવાથી આ હાઈવે પર સતત ટ્રાફિક જામ રહે છે. આ હાઈવે ઉપરથી સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો અને સાંસદો અવારનવાર પસાર થાય છે અને તે પણ ટ્રાફિક જામમાં ફસાય છે પરંતુ એકપણ માઈનો લાલ ગાંધીનગરમાં જઈને મોોઢુ ખોલી શકતો નથી અને શિસ્તના દંભ હેઠળ પ્રજાનો અવાજ દબાવી દે છે.
વિધાનસભામાં મુખ્યમંત્રીએ આપેલી મુદત ઉપર દસ મહિના પૂરા થવા આવ્યા
રાજકોટ-અમદાવાદ ફોરલેન હાઈવેને સિક્સલેન બનાવવાનું કામ સાત વર્ષ પહેલા વર્ષ 2017માં શરૂ થયું હતું અને ત્રણ વર્ષમાં એટલે કે 2020માં કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ રાજકીય આખલા યુદ્ધમાં કોન્ટ્રાક્ટર કામ છોડીને ભાગી જતાં આજ સુધી આ કામ પુરુ થયું નથી. ગત ફેબ્રુઆરી માસમાં મળેલી વિધાનસભામાં ખુદ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે, માત્ર બે માસમાં એટલે કે માર્ચ-2024માં જ આ હાઈવેનું કામ પુર્ણ થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ ખાતરી ઉપર પણ દસ મહિના પૂરા થવા આવ્યા આમ છતાં હજુ સુધી આ કામ પુરુ થયુ નથી જેના કારણે સૌરાષ્ટ્રની અમદાવાદ કે, દેશના અન્ય રાજ્યોમાં આવ-જા કરતા અઢી કરોડથી વધુ પ્રજાજનો ભારે યાતના વેઠી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકારની સંવેદના 156 બેઠકોની તોતીંગ બહુમતિ નીચે દબાઈ ગઈ હોય તેમ પ્રજાની વેદના સરકાર સુધી પહોંચી નથી.