અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
રાજકોટ જિલ્લાના રિબડાના ભારે ચકચારી બનેલા અમીત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન નીચલી કોર્ટે નામંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની ધરપકડ બાદ થોડા દિવસ પહેલા જ તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પણ સરેન્ડર કર્યુ હતું ત્યારબાદ અનિરૂધ્ધસિંહને આ કેસમાં જામીન માટે અરજી કરી હતી. જો કે કોર્ટે અરજી નામંજૂર કરતાં હવે ઉપલી કોર્ટમાં અરજી કરનાર હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે અનિરૂધ્ધસિંહ જાડેજાની સ્વ.પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં જન્મટીપની સજામાં જેલ મુક્તિનો હુકમ રદ થતાં હાલ જૂનાગઢની જેલમાં રખાયા છે. અમીત ખૂંટ આપઘાત કેસમાં જામીન મળે તો પણ તેની જેલ મુક્તિ હાલ શકય નથી.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અમીત ખૂંટ આપઘાત કેસની સુનાવણી ગોંડલ સેસન્સ કોર્ટમાં શરૂ થઈ છે. બે દિવસ પૂર્વે જ આ કેસમાં અનિરૂધ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને શબીર હાલાને હાજર રાખવામાં આવ્યા હતાં. આ કેસમાં હજુ સુત્રધાર જૂનાગઢનો રહીમ મકરાણી પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા પોલીસ ટીમ તપાસ કરી રહી છે. અમીત ખૂંટ આપઘાત કેસને લઈને તેના ભાઈ દ્વારા અનિરૂધ્ધસિંહને જૂનાગઢ જેલમાં સગવડતા આપવામાં આવતી હોવા સાથે જેલ બદલીની માંગ પણ કરી હતી. આ કેસને લઈને સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી છે અને આગામી મુદત છ ડિસેમ્બરે હોય વધુ સુનાવણી થાય તે પૂર્વે જ અનિરૂધ્ધસિંહએ સેસન્સ કોર્ટમાં મુકેલા જામીન સેસન્સ કોર્ટે ફગાવી દીધા છે.