રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા
હાલા શબ્બીર સુલેમાનની રિબડામાં પ્રવેશબંધી, દર મહિને 1 અને 15 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે જામીન
રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી હાલા શબ્બીર સુલેમાનને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 50 હજારના જામીન, રીબડા ગામની હદમાં પ્રવેશબંધી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી જેવી શરતો મૂકી છે.
આ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી હાલા શબ્બીર સુલેમાનને જેતપુર શહેર પી.આઈ. એ.ડી. પરમાર અને તેમની ટીમે 30 ઓક્ટોબર 2025ના રોજ વહેલી સવારે જૂનાગઢ જિલ્લાના ચોબારી ગામેથી ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો.
ધરપકડ બાદ આરોપીને જેતપુર લાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી અને તે જ દિવસે સાંજે ગોંડલ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે આરોપીની ભૂમિકા અને પુરાવા એકત્ર કરવા રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી 3 નવેમ્બર 2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને અમરેલી જેલ હવાલે કરાયો હતો.
આજે આ કેસમાં આરોપી હાલા શબ્બીર સુલેમાનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગોંડલ સેશન્સ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો.