ફી વધારાના ઓર્ડર આપવામાં ઉઘરાણા; FRC સામે ગંભીર આરોપ
છેલ્લા ઘણા સમયથી ફિ નિર્ધારણ કમિટી અને ફિ વધારાને લઇને વિવાદ ચાલી રહયો છે અને છેલ્લા બે વર્ષથી ફિ વધારાની પ્રધ્રિયા અધ્ધરતાલ પઢી હોય ત્યારે રાજયના શાળા સંચાલક મંડળ દ્વારા કરવામા આવેલા આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે જેમા ફિ વધારાના ઓર્ડર મેળવવા પણ વહીવટ થતા હોવાનાં આક્ષેપ શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામા આવ્યા છે.
રાજ્ય શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે કે ફી રેગ્યુલેટરી કમિટીની રચના થઈ ત્યારથી ફીનો સ્લેબ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક માટે 15000, માધ્યમિક અને સામાન્ય પ્રવાહ માટે 25,000, અને ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહ માટે 30,000નો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. કોઈપણ ખાનગી સ્કૂલે આ ફીના સ્લેબથી વધુ ફી લેવી હોય તો ફી વધારાની દરખાસ્ત કરીને ફી મંજૂર કરાવવાની હોય છે. વર્ષ 2017થી અત્યાર સુધી ફીના સ્લેબમાં વધારો કરવામાં આવ્યો નથી.
સ્લેબમાં વધારો કરવા માટે 1 વર્ષથી કમિટી બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી સ્લેબમાં વધારો થયો નથી. સંચાલક મંડળનું કહેવું છે કે મોઘવારી પ્રમાણે 7 ટકા વાર્ષિક ફી વધવી જ જોઈએ તો અત્યાર સુધીની ગણતરી મુજબ સ્લેબમાં 63 ટકાનો વધારો કરવામાં આવે. જ્ઞાન સેતુ સ્કૂલમાં જો દર વર્ષે 7 ટકા ફી વધારો આપવામાં આવે તો ખાનગી સ્કૂલોમાં પણ વધારો આપવામાં આવે.
ફી વધારાનો ઓર્ડર FRC દ્વારા આપવામાં આવે છે તે ઓર્ડર પણ સીધો સંચાલકોને મળતો નથી. આ ઓર્ડર અનેક અધિકારી દ્વારા મળે છે જેના કારણે કેટલીક જગ્યાએ વ્યવહાર કરવા પડતા હોવાનું સંચાલકોનું કહેવું છે, જેથી સીધો ઓર્ડર સંચાલકોને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે ફીનો સ્લેબ મોંઘવારી પ્રમાણે વધારવો જોઈએ. આ ઉપરાંત ફી વધારાનો ઓર્ડર સીધો સંચાલકોને મળવો જોઈએ. FRC પાસે સંચાલકોના ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર છે. પરંતુ FRC થી સંયોજક અધિકારી ત્યાંથી જે તે જિલ્લાના DEO અને ત્યાંથી નીચેના અધિકારી દ્વારા સંચાલકોને ઓર્ડર મળે છે જેના કારણે કેટલીક જગ્યાએ સંચાલકોએ વ્યવહાર કરવા પડે છે. એટલે જેટલા ટોલટેક્સ હોય એટલો ટોલ પણ ચૂકવવો પડે છે. તો સીધો ઓર્ડર સંચાલકોના હાથમાં આવે તો વ્યવહાર બંધ થઈ જાય.