મંત્રી મંડળના વિસ્તરણને લઈને દિવસભર બેઠકોનો દોર
ગુજરાત મંત્રી મંડળના વિસ્તરણને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ બનવા લાગી છે. તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ હાજર છે ત્યારે સંગઠન મંત્રીઓ પણ ગાંધીનગર આવી પહોંચ્યા છે. મંત્રી મંડળમાં કોને પડતા મુકવા અને કોને સ્થાન આપવું તેને લઈને આજે ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓ વચ્ચે દિવસભર બેઠક મળી હતી.
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળનું કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. કેબીનેટની બેઠક રદ થયા બાદ અને આવતીકાલે શપથવિધીના સમાચારને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે ? તેમને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલના મંત્રી મંડળમાંથી કોને પડતા મુકવામાં આવશે ? અને તેમાંથી કોઈ બળવો ન કરે તેમને લઈને પણ ભાજપ દ્વારા પુરતી તકેદારી રાખી તમામ ઉચ્ચ કક્ષાના નેતાઓએ બેઠક યોજી હતી.
આજે સવારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગર આવી પહોંચ્યા હતાં અને ત્યાંથી તેઓ સીધા જ અમદાવાદ સરકીર્ટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે પણ હાજર રહ્યા હોવાનું માહિતી મળી રહી છે. આ ઉપરાંત આ બન્ને સંગઠન મહામંત્રીઓએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. ઉપરાંત મુંબઈથી બપોરે આવ્યા બાદ મુખ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચ નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી. આમ આજે આખો દિવસ મંત્રી મંડળના વિસ્તરણને લઈને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક મળી હતી.